વડોદરામાં 3 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ દોડતી થઈ

વડોદરા: આજે વહેલી સવારે વડોદરામાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. વડોદરામાં ભાયલીના નવરચના સ્કૂલને એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા દિલ્હીમાં ઘણી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. જો કે, ત્યાં પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી.

વડોદરામાં ત્રણ જગ્યાએ નવરચના સ્કૂલ આવેલી છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરામાં ત્રણ જગ્યાએ નવરચના સ્કૂલ આવેલી છે. જ્યારે નવરચના સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસનો કાફલો સ્કૂલ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. સમાં વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં પણ પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું. જો કે,પોલીસ તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. ભાયલી નવરચના સ્કૂલના પ્રિન્સિપલ કાશ્મીરા જૈશવાલને સવારે 5:00 વાગ્યે ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો.

તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરાઈ

ઈમેલમાં સ્કૂલની પાઈપ લાઈનમાં બોમ્બ મુક્યાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ નવરચનાની ભાયલી અને સમાં વિસ્તારની કુલ 3 સ્કૂલમાં 3 કલાક સુધી ચેકીંગ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી, પી.સી.બી, બી.ડી.એસ સહિતના સ્ટાફે ચેકીંગ કર્યું હતું. શાળાના દરેક કલાસ,ઓફિસ, પાઈપ લાઈન, ડ્રેનેજ લાઈન સહિતનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ જે મેલ આવ્યો હતો તે મામલે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે. જોકે તપાસ દરમિયાન કોઈ જ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસ અને શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ બોમ્બની ધમકીને પગલે બાળકો અને વાલીઓમાં ભયનો માહોલ ન બને તે હેતુથી શાળા બંધ રાખવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!