ખ્યાતિ હોસ્પિટલ કાંડ: હોસ્પિટલના ફરાર ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટ કાર્તિક પટેલની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી કાર્તિક પટેલ ફરાર હતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ આ કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ બે મહિનાથી ફરાર હતો. જે વિદેશમાં નાસતો-ફરતો હોવાની માહિતી મળી હતી, જેની આખરે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી છે.

લુક આઉટ નોટિસ જાહેર

અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષોના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી. જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો. આ સમયે તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જોકે, કાર્તિક પટેલ દ્વારા જામીન માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા પરંતુ જામીન મંજૂર ન થતા આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટીમે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો અને હવે તેને આરોપીની જેમ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે.

અમદાવાદનાં ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં હોસ્પિટલનાં ડાયરેક્ટર કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ વચ્ચે જબરદસ્ત દલીલ થઈ હતી. કાર્તિક પટેલનાં વકીલે દલીલ કરી હતી કે, હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી, જેમાં લોકોનાં જીવ ગયા. જે થયું તે દુઃખદ છે. પણ શું આ પ્રકારની ઘટના માટે ડાયરેકટર જવાબદાર હોઈ શકે ? મેડિકલ બેદરકારીનાં કિસ્સામાં ડાયરેક્ટરની જવાબદારી સામે વકીલે સવાલ ઉઠાવ્યા હતા. કાર્તિક પટેલના વકીલે SC અને ગુજરાત હાઇકોર્ટનાં જુદા-જુદા ચુકાદાનાં આધારે દલીલો કરી હતી. આ ઉપરાંત, કાર્તિક પટેલના વકીલ દ્વારા પીડિતોને વળતર આપવાની પ્રાથમિક તૈયારી પણ દર્શાવવામાં આવી હતી.

ખ્યાતિ હોસ્પિટલ કાંડ

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ખ્યાતિ મલ્ટીસ્પેશયાલિસ્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા આરોપીઓએ PMJAY યોજનાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવવા માટે દર્દીઓને ખોટા દબાણમાં લાવીને તેની સર્જરી કરી છે. નોંધનીય છે કે, હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પના નામે 19 વ્યક્તિઓને અમદાવાદ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બસમાં લાવવામાં આવ્યા હતા. જેમાં 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી ​​​​​​​કરવામાં આવી હતી. તેમાંથી બે દર્દીઓના મોત થઈ ગયા હતા. 2 દર્દીના મોત બાદ તેમના પરિવારજનો દ્વારા હોબાળો કરાયા બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ છે. માત્ર આર્થિક ફાયદા માટે દર્દીને 40% બ્લોકેજ હોય તેને 80% રિપોર્ટમાં દર્શાવીને બાયપાસ માટે પ્રેશર કરવામાં આવતું હોવાની હકીકતો સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!