ખેડા: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખેડા પાસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગત રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે. પૂરપાટ ઝડપે દોડતી કાર વચ્ચે નીલ ગાય આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. ચારેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ મૃતક તમામ યુવકો મહીસાગરના બાલાસિનોર હતા.
સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર પલટી ગઈ
બાલાસિનોરના ચારેય યુવકો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતાં. આ દરમિયાન વચ્ચે અચાનક નીલ ગાય આવી જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર પલટી ગઈ હતી. કાર એટલી ભયાનક રીતે પલટી કે કારમાં બેઠેલાં ચારેય યુવકના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં.
પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈકો કારમાં પાંચ લોકો સવાર હતાં જેમાંથી ચાર લોકોના મોત થઈ ગયા છે અને એક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. ચારેય મૃતક મહીસાગરના બાલાસિનોરના ઓથવાડ ગામના રહેવાસી હતા. અકસ્માતની જાણ થતાં જ કઠલાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.