અમરેલી: સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનાર અમરેલીના ચર્ચિત લેટરકાંડ મામલે એસપીએ મોટી કાર્યવાહી કરી છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે મોટી કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડા સામેલ છે.
શું છે સમગ્ર મામલો
આ લેટરકાંડનો મામલો ત્યારે શરૂ થયો જ્યારે અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામનું નકલી લેટરપેડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું. ત્યારબાદ આ અંગે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વધ્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું સરઘસ કાઢ્યું. આ ઘટના બાદ રાજ્યના નેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવીને ધરણાં અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.
પોલીસ પર ગંભીર આરોપ
આ કેસમાં પોલીસની કાર્યવાહી પર સતત સવાલોના ઘેરામાં આવી છે. પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પાયલ ગોટીએ આરોપ લગાવ્યા કે જેલમાં મને પટ્ટા મારવામાં આવ્યા હતા. પાયલ ગોટીના આ આરોપોને ધ્યાનમાં રાખીને એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં Dysp એ.જી.ગોહિલ, મહિલા P.I. આઇ.જે. ગીડા અને મહિલા PSI એચ.જે.બરવાડીયા સામેલ છે.