- નોર્થન આર્ક ફાઇનાન્સ કંપનીના કર્મી સહિત ત્રણ સામે ફરિયાદ
- મકાન પર લોન મંજૂર કરાવી આરોપીઓએ ખાતામાં જમા થયેલી રકમ ચેક દ્વારા ઉચાપત કરી
- લોનનો હપ્તો ભરવા નોટિસ મળતાં ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગર | સાયલાના લાખાવાડ ગામના બે વ્યક્તિ સાથે લોનના નામે 13 લાખની છેતરપિંડી થઇ છે. આરોપીઓએ મકાન પર લોન મંજૂર કરાવી લોનધારકોના ખાતામાં જમા, થયેલી રકમ ચેક દ્વારા ઉપાડી ગુનો આચર્યો હતો. આ મામલે ભોગ બનનારે બી- ડિવીઝન પોલીસ મથકે સુરેન્દ્રનગરમાં મેગામોલ ખાતે આવેલી નોર્થન આર્ક ફાયનાન્સ કંપનીના કર્મચારી સહિત ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
સાયલા (Sayla) તાલુકાના લાખાવાડ ગામે રહેતા સુરેશભાઈ હાદાભાઈ પંચાલને ગામમાં જ રહેતા મંગળુભાઈ ભીખુભાઈ ખવડે મકાન પર લોન કરાવી દેવાની અને તે લોન દ્વારા સુરેશભાઈને ભેંસોના તબેલા થકી સારી આવક થશે તેમ જણાવી લોન આપવાની લાલચ આપી હતી.
લોનના કાગળો થઈ ગયા બાદ ગામમાં રહેતા અન્ય શખ્સ ડાયાભાઈ ભાણાભાઈ પંચાલને પણ મંળુભાઈએ આ અંગે વાતચીત કરી મકાન પર લોન આપવાની લાલચ આપી હતી. બંનેની લોન મંજૂર થઈ ગઈ હોવાથી મંળુભાઈએ સુરેશભાઈ અને ડાયાભાઈને સુરેન્દ્રનગરમાં મેગામોલ ખાતે આવેલી ‘નોર્થન આર્ક કેપીટલ’ નામની ફાયનાન્સ કંપની ખાતે જવાનું જણાવ્યું હતું. તેમજ લોન મંજૂર કરાવવા માટે રૂા.50,000 આપવા પડશે તેમ પણ જણાવ્યું હતું.
મંળુભાઈ સાથે નક્કી થયેલી રકમ મુજબ સુરેશભાઈ અને ડાયાભાઈ સુરેન્દ્રનગરમાં ‘નોર્થન આર્ક કેપીટલ’ (Northern Arc Capital)ની ઓફિસમાં ગયા હતા. જ્યાં પાંચ સહિ કરેલા કોરા પાંચ ચેક આપ્યા હતા અને લોન મંજૂર થાય એટલે જાણ કરવાનું જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ મેંગળુભાઈ દ્વારા સુરેશભાઈની લોન મંજૂર ન થઈ હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં સુરેશભાઈના ઘરે ફાયનાન્સ કંપનીમાંથી લીધેલ લોનનો હપ્તો ભરવા માટેની નોટિસ આવી હતી.
નોટિસને લઈને સુરેશભાઈએ મંગળુભાઈને જાણ કરતા કોઈપણ જાતનો જવાબ આપ્યો ન હતો. સુરેશભાઈની જેમ જ ડાયાભાઈને પણ લોનના હપ્તા ભરવા માટેની નોટિસ મળી હતી. આથી બંનેએ પોતાના ખાતાની પાસબુકમાં એન્ટ્રી કરાવતા નોર્થન ફાયનાન્સ કંપનીમાંથી લોનના રૂા.5.85 લાખ ફરિયાદીના ખાતામાં જમા થયા હતા તે રકમ તેમના ખાતામાંથી ચેક મારફતે રૂા.5.80 લાખ મંગળુભાઈ ખવડના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું.
જ્યારે ડાયાભાઈ પંચાલના ખાતામાંથી પણ નોર્થન ફાયનાન્સ કંપનીમાંથી લોનના રૂા. 7.32 લાખ જમા થયા હતા. જે પૈકી રૂા.7.24 લાખ જેટલી રકમ ચેક મારફતે મંગળુભાઈ ખવડના ખાતામાં ટ્રાન્સફર થઈ હતી.
આમ લાખાવાડ ગામના બે શખ્સોને મકાન પર લોન આપવાની લાલચ આપી તેમના ખાતામાં જમા થયેલ લોનની રકમની ઉચાપત કર્યાની કુલ રૂા. 13.12 લાખની છેતરપીંડી અંગે ભોગ બનનાર ફરિયાદીએ મંગળુભાઈ ભીખુભાઈ ખવડ (રહે. લાખાવાડ તા.સાયલા), સામાભાઈ લધુભાઈ જમોડ (રહે. નડાળા તા.સાયલા) અને ભાવિકભાઈ શેઠ (રહે.સુરેન્દ્રનગર) નોર્થન આર્ક ફાયનાન્સ કંપનીના કર્મચારી સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.