સુરતઃ સુરતના સરસાણા વિસ્તારમાં એક મહિલા ખાળકૂવામાં પડી ગઇ હોવાની ઘટના સામે આવી છે. ખાળકૂવા ઉપર બનાવેલું સિમેન્ટનું ઢાંકણું તકલાદી હોવાને કારણે મહિલા પટકાઈ હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને મહિલાનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું.
સરસાણા સ્થિત દરજી ફળીયા નજીક 30 થી 35 ફૂટ ઊંડા ખાળકૂવા બનાવ્યો હતો. ખાળકુવા ઉપર બનાવેલું સિમેન્ટનું ઢાંકણું નબળું થઇ ગયું હતું, જેથી 38 વર્ષીય મહિલા ઢાંકણા પરથી પસાર થતા જ ઢાંકણ તૂટી ગયું હતું અને મહિલા પટકાઈ હતી.
મહિલાએ બુમાબુમ કરતા પડોશીઓ એકઠા થઇ ગયા હતા અને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ખાળકૂવો ઊંડો હોવાથી સફળતા મળી ન હતી. આખરે બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. આ દરમિયાન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ઢાંકણનો બીજો ભાગ ન પડે તેથી ફાયર વિભાગે મહિલાને હેલમેટ આપ્યું હતું અને બાદમાં સીડી મૂકી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મહિલાને સહી સલામત ખાળકૂવામાંથી બહાર કાઢી લીધી હતી. આ ઘટનામાં મહિલાને પગના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.