બે અઠવાડિયા પહેલા પૂર્વ કચ્છ પોલીસે કરોડો રૂપિયાના કોકેઈન સાથે કચ્છમાંથી ઝડપી પાડેલા બે પુરુષ આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા છે. માદક પદાર્થ સાથે ઝડપાયેલા બે પંજાબી દંપતીમાંથી બે પુરુષ આરોપીને લઈને સામખિયાળી પોલીસ પંજાબ તપાસ માટે લઈ ગઈ હતી. પોલીસ જ્યારે તેઓને પાછા કચ્છ લાવી રહી હતી ત્યારે પંજાબમાં પોલીસની કારમાં પંક્ચર પડ્યું હતું. આ તકનો લાભ ઉઠાવીને બંને આરોપીઓ રફૂચક્કર થઈ ગયા હતા. પૂર્વ કચ્છ SOG અને સ્થાનિક પોલીસે આ આરોપીઓને બે મહિલા સાથે કચ્છમાં 1.47 કરોડની કિંમત વાળા કોકેઈન સાથે કચ્છમાં પ્રવેશ કરતી વેળા ઝડપી પાડ્યા હતા.
પોલીસની કારમાં પંક્ચર પડ્યું અને આરોપી ફરાર થઈ ગયા
પોલીસના સકંજામાંથી ફરાર થઈ ગયેલા આરોપીઓ મામલે જણાવતા ગાંધીધામ એસપી સાગર બાગમારેએ જણાવ્યું કે, આ ઘટના બે દિવસ પહેલા પંજાબના મલેકપુર નામના સ્થળે રાત્રી દરમિયાન ઘટી હતી. કચ્છમાં કોકેઈન સાથે પોલીસે ઝડપેલા બંને પુરુષ આરોપીને લઈને પંજાબમાં તપાસ માટે પોલીસની ટીમ ગઈ હતી. તપાસ બાદ પરત ફરતી વખતે પોલીસની કારમાં પંક્ચર પડ્યું હતું. આ દરમિયાન બંને આરોપી પોલીસના સકંજામાંથી છૂમંતર થઈ ગયા હતા.
1.47 કરોડનું કોકેઈન મળી આવ્યું હતું
28 નવેમ્બરના રોજ પૂર્વ કચ્છ SOG અને લાકડીયા પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં આરોપીઓને હરિયાણા પાસિંગની કારમાં ઝડપી પાડ્યા હતા. પોલીસને તેમની પાસેથી કારમાં બોનેટ નીચે એર ફિલ્ટર પાસે સંતાડેલું 1.47 કરોડનું કોકેઈન મળી આવ્યું હતું. બે મહિલા સાથે કુલ ચાર આરોપીને પોલીસે રાઉન્ડઅપ કરીને પૂર્વ કચ્છ પોલીસ બેડામાં આવતા લાકડીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધી તપાસ સામખિયાળી પોલીસને સોંપી હતી. વધુ તપાસ માટે સામખિયાળી પોલીસ બે પુરુષ આરોપીઓને પંજાબ લઈ ગઈ હતી, આ દરમિયાન આ સમગ્ર કાંડ થઈ ગયો હતો.