- નગમાના મૃતદેહના અવશેષ વાંકાનેર નજીકથી મળ્યા
- નવલસિંહે શાંતિની વિધીના બહાને અંજારના યુવાનની હત્યા કરી હતી
અમદાવાદના વઢવાણના મસાણી મેલડી માતાજીના કહેવાતા ભુવાએ પોતાના પરિવારના સભ્યો સહિત 13 લોકોના જીવ લઈ લીધા હોવાનો ચકચારી બનાવ સામે આવતા સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે.
તાંત્રિક નવલસિંહના મોત બાદ તેણે કરેલી હત્યાના એક પછી એક રહસ્યો ઉજાગર થઈ રહ્યા છે. પરિવારના સભ્યો સહિત 13 લોકોની સોડિયમ નાઈટ્રેટ કેમિકલ પિવડાવીને હત્યાના મૃતક આરોપી અને તાંત્રિક નવલસિંહે રાજકોટની નગમા નામની યુવતીની હત્યા કરી ટૂકડા કરી નાંખ્યા હતા.
માર્ચ 2024માં વઢવાણના ઘરમાં જ નગમાની હત્યા કર્યા પછી તેના દેહાવશેષ વાંકાનેરના ધમલપર નજીક તાંત્રિક નવલસિંહે દાટી દીધા હતા. અમદાવાદ અને પડધરી પોલીસે ચાર કલાક ખોદકામ બાદ નગમાના શરીરના અવશેષો કબજે કરી એફ.એસ.એલ.માં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.
નગમા ઉપરાંત તેના માતા, પિતા અને ભાઈના શંકાસ્પદ મૃત્યુના રહસ્યો પણ પોલીસ તપાસ બાદ ખુલવાની સંભાવના વધી છે. અમદાવાદ પોલીસ હવે રાજકોટ પોલીસને તમામ તથ્યો સાથે વિગતો મોકલશે. મહત્ત્વનું છે કે, ધમલપર ગામ પાસે ચાર કલાક ખોદકામ બાદ મળેલાં માથું, પેટ, પગ, હાથ સહિતના ભાગો FSLમાં મોકલાશે.
અંજારના મોમાઈ માતાજીનાં મંદિરે પૂજા કરતાં પૂજારીના પુત્ર નરેશગિરિ સુરેશગિરિ ગોસ્વામી જે રાજ બાવાજી તરીકે ઓળખાય છે તેમનું તા. 16-7-2020માં મૃત્યુ થયું હતું. જેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું માની લેવામાં આવ્યું હતું. પરંતુ આ મૃત્યુના 4 વર્ષ બાદ પકડાયેલા વઢવાણના નવલસિંહ નામના ભુવાજીએ પોતાની કબૂલાતમાં જણાવ્યુ હતું કે, નરેશગિરિ ઉર્ફે રાજ બાવાજી અને તેમની પત્ની સોનલ ઉર્ફે હેતલ રાવલ વચ્ચે ઝઘડાઓ થતાં હતા. બન્નેએ પ્રેમ લગ્ન કર્યા બાદ કોઈને કોઈ બાબતે વિવાદો થતાં રહેતા હોવાથી શાંતિ માટે મૃતક યુવાન રાજ બાવાજીએ વઢવાણ ખાતેના નવલસિંહ ભુવાજીનો સંપર્ક કર્યો હતો.
દરમિયાન વિધિ કરાવ્યા બાદ અને વઢવાણ ખાતે 3-4 વખત ધક્કા ખાધા બાદ પણ ગૃહ કંકાસમાં શાંતિ ન મળતા નવલસિંહ અને રાજ બાવાજી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી નવલસિંહ અંજાર આવ્યા હતા અને રાજ બાવાજીના ઘરે જ શાંતિ માટેની વિધિ કરી હતી. આ દરમિયાન તેણે લિક્વિડમાં સોડિયમ પાઉડર નાખી દીધો હતો અને તે લિક્વિડ રાજ બાવાજીને પીવડાવી ત્યાંથી ચાલ્યો ગયો હતો. જેના અમુક સમય બાદ રાજ બાવાજીને હાર્ટ એટેક આવી જતાં તેમનું મૃત્યુ થયું હતું અને પરિવારે હાર્ટ એટેકના કારણે જ મૃત્યુ થયું હોવાનું સમજી લેતા પી.એમ. કરાવવા કે પોલીસને જાણ કર્યા વગર જ અંતિમ વિધિ કરી નાખી હતી.