અમરેલીમાં આવેલા સુપ્રસિદ્ધ સત્તાધાર આપાગીગાની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. આપાગીગાના ગાદીપતિ વિજય બાપુ પર તેમના જ મોટાભાઈએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહંત વિજય બાપુ પર ભ્રષ્ટાચારના અને વ્યભિચારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
ગેરકાયદેસર કરોડોના વ્યવહાર કર્યા હોવાના ગંભીર આરોપો
સતાધાર મહંતના સગાભાઈ નીતિન ચાવડાએ મંદિરના મહંત અને પોતાના ભાઈ પર આરોપો લગાવતા કહ્યું કે, તેમણે સતાધારમાં જ રહેતી એક મહિલા સાથે ખાનગીમાં લગ્ન કરી લીધા છે. આ ઉપરાંત મહંત દ્વારા ગેરકાયદેસર કરોડોના વ્યવહાર કર્યા હોવાના પણ ગંભીર આરોપો લગાવીને વિજય ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખી જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવા અને વહીવટદારની નિમણૂક કરવા વિનંતી કરી છે. આ સાથે જ તેમણે આ મામલે યોગ્ય તપાસની પણ વિનંતી કરી હતી.
પૂર્વ વહીવટદાર નિતીન ચાવડા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પ્રમાણે મંદિર પાસે કુલ 1200-1300 વીઘા જમીન છે જેની વાર્ષિક આવક 50 કરોડથી પણ વધારે છે. આ ઉપરાંત ધર્માદાની 100 કરોડ કરતાં વધારે આવક છે તથા બિન કાયદેસર 60 દુકાનો છે જેનું વાર્ષિક ભાડું બે થી 2.50 લાખ છે જોકે આ તમામ નાણાનો ગેરમાર્ગે ઉપયોગ થઈ રહ્યો હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે.
મહંત વિજય બાપુએ મૌન તોડ્યું
હવે આ સમગ્ર મામલે મહંત વિજય બાપુએ મૌન તોડ્યું છે. તેમણે આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવીને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે આ મારી સામે એક ષડયંત્ર રચાયું છે. અમારી પાસે એવો કોઈ ઉદ્યોગ નથી જેના કારણે અમે આવો ભ્રષ્ટાચાર કરી શકીએ.