અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કેસમાં દર્દીઓને જરૂર ન હોવા છતાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરતા બે દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. જેમાં પોલીસ ફરિયાદ કરાત કુલ 06 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જે પૈકી આરોપી ચિરાગ રાજપૂતના મકરબા ખાતેના ઘરે પોલીસે આ કેસ સંદર્ભે તપાસ કરતા કુલ 2.85 લાખની કિંમતની 54 નંગ વિદેશી શરાબની બોટલ મળી આવી હતી. રાજ્ય સરકારે ખ્યાતિ હોસ્પિટલ મામલે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપતા આ મુદ્દે ચિરાગ રાજપૂત સામે પ્રોહેબિષન એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો.
ક્રાઈમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. જે સંદર્ભે કોર્ટે 02 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. આજે તેના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
અગાઉ રિમાન્ડ માંગતા પોલીસ દ્વારા જણાવાયુ હતુ કે આરોપી આ બોટલો કોની પાસેથી લાવ્યો, કયા વાહનમાં લાવ્યો, બીજો જથ્થો આરોપી પાસે છે કે નહિ ? , આરોપીને અન્ય કોઈ વ્યક્તિને શરાબનો જથ્થો આપ્યો હતો કે કેમ ? આ માટે કોઈ નાણાકીય વ્યવહાર કર્યા હતા કે કેમ ?, આરોપીનો કોલ ડેટા રેકોર્ડ મેળવવાનો છે.
આરોપીના વકીલ એજ મુરજાનીએ આરોપીના રિમાન્ડ આપવા વિરુદ્ધ દલીલો કરી હતી કે ચિરાગનો 07 લાખનો પગાર છે અને તેના ઘરેથી 2.85 લાખનો શરાબ મળ્યો છે. કોલ ડિટેલ રેકોર્ડ માટે ક્યાં રિમાન્ડની જરૂર છે ? અત્યારે આરોપી જ્યુડીશિયલ કસ્ટડીમાં છે.
ખ્યાતિ કેસમાં રિમાન્ડ આપ્યા હવે ફરી શા માટે રિમાન્ડની જરૂર છે. ખ્યાતિમાં કેસમાં 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, તેમાં ગ્રામ્ય કોર્ટ માત્ર 03 દિવસના રિમાન્ડ આપ્યા હતા. અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના કેટલાક ચુકાદા પણ કોર્ટ સમક્ષ મૂક્યા હતા.