નવી દિલ્હી: બે દુશ્મન દેશોએ હાથ મિલાવતા ભારત માટે મોટું જોખમ ઊભું થયું છે. બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે પાકિસ્તાન સાથે દારૂગોળાની ખરીદી અને દરિયાઈ માર્ગે વેપાર શરૂ કર્યા બાદ નવું પગલું ભર્યું છે. પાકિસ્તાન આર્મી અને ISI પણ હવે બાંગ્લાદેશમાં પ્રવેશ કરી રહી છે. પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ ટૂંક સમયમાં બાંગ્લાદેશની મુલાકાત લઈ શકે છે. 1971માં જે પાકિસ્તાની સેનાને પૂર્વ પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવી હતી તે જ પાકિસ્તાની સેના હવે આ દેશમાં નવેસરથી પોતાનો રુતબો જમાવવાનો પ્રયાસ કરી રહી છે. આવું 53 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે.
પાકિસ્તાની આર્મી બાંગ્લાદેશના સૈન્યને ટ્રેનિંગ આપશે
પાકિસ્તાનના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ બાંગ્લાદેશના સૈન્ય ટ્રેનિંગ કેન્દ્રોની મુલાકાત લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બાંગ્લાદેશે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આ અંગે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકારે પાકિસ્તાન સાથે સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધો વધારવાની દિશામાં પગલાં ભર્યા છે, જે ભારત માટે એક નવો પડકાર ઊભો કરી શકે છે. PAK આર્મીના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફ કમિટીના ચેરમેન જનરલ સાહિર શમશાદ મિર્ઝાના નેતૃત્વમાં એક વિશેષ ટીમ બાંગ્લાદેશને ટ્રેનિંગ આપવા માટે ફેબ્રુઆરી 2025માં ત્યાં જશે.
આ વર્ષે ઓગસ્ટમાં શેખ હસીનાના સત્તા પલટા બાદ મોહમ્મદ યુનુસે નેતૃત્વ સંભાળ્યું ત્યારથી બાંગ્લાદેશ-પાકિસ્તાનના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે. આનું ઉદાહરણ એ છે કે શેખ હસીનાએ 2022માં પાકિસ્તાની યુદ્ધ જહાજ પીએનએસ તૈમૂરને ચટગાંવ બંદર પર આવવાનો ઈનકાર કરી દીધો હતો.
ભારત માટે મોટો પડકાર
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ શેખ હસીનાની સરકારને પાડવામાં અને વચગાળાની સરકાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશમાં લાંબા સમયથી પાકિસ્તાની તાકાત સક્રિય રહી છે, જે હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે. પાકિસ્તાનનું આ પગલું વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ભારત માટે મોટો પડકાર બની શકે છે.
ચિકન નેક માટે ખતરો
બાંગ્લાદેશમાં પાકિસ્તાનની વધતી જતી હાજરી સિલીગુડી કોરિડોર (ચિકન નેક) માટે ખતરો વધારી શકે છે, જે ભારતને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડતો એકમાત્ર માર્ગ છે. આ સાથે જ ભારતના પૂર્વોત્તરમાં કટ્ટરપંથી તાકાતો વધુ મજબૂત થવાની આશંકા છે.
શું બાંગ્લાદેશ ફરી એક વખત પાકિસ્તાનના પ્રભાવમાં જઈ રહ્યું છે? હાલની સ્થિતિ આ સવાલને મજબૂતીથી ઉઠાવી રહી છે. પાકિસ્તાન-બાંગ્લાદેશ ગઠબંધન ભારત માટે માત્ર રાજદ્વારી પડકાર જ નથી, પરંતુ સુરક્ષાના દૃષ્ટિએ પણ ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે.
બદલાયેલા સબંધો ભારત માટે ચિંતાનો વિષય
ભારત અને બાંગ્લાદેશ લગભગ ચાર હજાર કિલોમીટરની સરહદ વહેંચે છે. ભારતે વર્ષોથી બાંગ્લાદેશમાં ઘણા ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. દક્ષિણ એશિયામાં પ્રભાવના સંદર્ભમાં ભારત બાંગ્લાદેશને એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સાથી તરીકે જોતું રહ્યું છે. લાંબા સમયથી બાંગ્લાદેશ સાથે પાકિસ્તાને અંતર જાળવી રાખવાથી ભારત માટે ક્ષેત્રમાં સરળતા રહી છે, પરંતુ બદલાયેલા સબંધો ભારત માટે ચિંતાનો વિષય છે.