નવી દિલ્હી: ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન, વન ઈલેક્શનનો અર્થ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી. તેનો અર્થ એ છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે તેમના મતદાન કરશે.આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવાનો છે. આઝાદી બાદ 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી પરંતુ 1968 અને 1969માં, ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. ત્યારબાદ ડિસેમ્બર 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ હતી.
વન નેશન, વન ઈલેક્શન બિલ લોકસભામાં રજૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી એક દેશ, એક ચૂંટણીના સમર્થક રહ્યા છે. વડાપ્રધાને 2019ના સ્વતંત્રતા દિવસે વન નેશન વન ઈલેક્શનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક પ્રસંગોએ ભાજપ એક દેશ, એક ચૂંટણીની વાત કરી રહી છે. ત્યારે હવે આજે વન નેશન, વન ઈલેક્શન બિલ લોકસભામાં રજૂ કરાયું હતું. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કરી વિરોધ કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો.
લોકસભામાં આજે વન નેશન, વન ઈલેક્શન બિલ રજુ કરવામાં આવ્યું હતું. આ માટે ભાજપે વ્હિપ પણ જાહેર ક્યું હતું, જોકે તેમ છતાં કેટલાક સાંસદો ગેરહાજર રહ્યા હતા. જેના કારણે ભાજપે તે સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ભાજપ ગેરહાજર રહેનારા સાંસદોને નોટિસ ફટકારશે. ભાજપના 20થી વધુ સાંસરદો આજે મતદાન વખતે ગૃહમાં હાજર ન હતા. ભાજપે લોકસભાના સભ્યોને મંગળવારે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઈનનો વ્હિપ જાહેર કર્યો હતો.
વન નેશન, વન ઈલેક્શન બિલ જેપીસીને મોકલવામાં આવ્યું
પરચી મતદાન થયા પછી સ્પીકર ઓમ બિરલાએ પરિણામો જાહેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ ઈલેક્ટ્રોનિક મતદાન થાય છે ત્યારે જો તેમાં કંઈ યોગ્ય ન હોય તો જ પરચીની માગ કરી શકો છે. આ બિલની તરફેણમાં 269 મત અને વિરોધમાં 198 મત પડ્યા હતા. લોકસભામાં વન નેશન, વન ઈલેક્શન બિલ પર મતદાન થયા બાદ તેને જેપીસીને મોકલવામાં આવ્યું છે.
કોંગ્રેસે વિરોધ કર્યો હતો
કોંગ્રેસ તરફથી મનીષ તિવારીએ એક રાષ્ટ્ર, એક ચૂંટણીની જોગવાઈ માટે લાવવામાં આવેલા બંધારણ સુધારા બિલનો વિરોધ કર્યો હતો. મનીષ તિવારીએ કહ્યું કે બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્ર શાસિત કાયદા સંશોધન બિલ બંધારણની સાતમી અનુસૂચિ અને તેના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે. બંધારણની કેટલીક વિશેષતાઓ છે જેમાં સુધારો કરવાની સંસદની સત્તાની બહાર છે. સંઘવાદનો ઉલ્લેખ કરતાં તેમણે આ બિલને બંધારણના મૂળભૂત માળખા પર હુમલો ગણાવ્યો હતો.
વિપક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઈનો વિરોધ
લોકસભામાં વિપક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે ચૂંટણી પંચને માત્ર એટલી સત્તા આપવામાં આવી છે કે કેવી રીતે દેખરેખ રાખવી અને કેવી રીતે મતદાર યાદી તૈયાર કરવી. જ્યારે પણ રાષ્ટ્રપતિ સલાહ લે છે ત્યારે તેઓ કેબિનેટની સલાહ લે છે તો ક્યારેક રાજ્યપાલ પાસેથી. આ બિલમાં ચૂંટણી પંચ સાથે પરામર્શની વાત છે જે ગેરબંધારણીય છે. તેમણે કહ્યું કે તેઓ પહેલીવાર એવો કાયદો લાવ્યા છે કે રાષ્ટ્રપતિ પણ ચૂંટણી પંચની સલાહ લેશે. અમે આનો વિરોધ કરીએ છીએ.
સપાએ ભાજપ પર નિશાન સાધ્યું
યુપીના આઝમગઢથી સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે બંધારણ પર થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે બે દિવસ પહેલા જ આ ગૃહમાં સંવિધાન બચાવવાના શપથ લેવામાં કોઈ કસર બાકી ન હતી, પરંતુ બે દિવસમાં જ બંધારણ બદલવામાં આવી રહ્યું છે. આ ગૃહમાં બાબા સાહેબથી વધુ વિદ્વાન કોઈ બેઠું નથી. બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ જઈને સરમુખત્યારશાહી લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જે લોકો હવામાનને કારણે તારીખો બદલી નાખે છે અને એક સાથે આઠ બેઠકો પર ચૂંટણી યોજી શકતા નથી, તેઓ એક દેશ, એક ચૂંટણીની વાત કરે છે. ભાજપના આ લોકો સરમુખત્યારશાહી લાવવાના નવા રસ્તા શોધી રહ્યા છે. જો સરકાર એક પ્રાંતમાં આવે તો શું આખા દેશમાં ચૂંટણી થશે?
શિવસેના-ટીડીપીએ બિલને સમર્થન આપ્યું
શિવસેના (શિંદે) અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ બિલને સમર્થન આપ્યું હતું. શિવસેના (શિંદે)ના શ્રીકાંત શિંદેએ વન નેશન, વન ઈલેક્શન બિલનું સમર્થન કરતા કહ્યું કે કોંગ્રેસને સુધારા શબ્દથી નફરત છે. આના પર વિપક્ષ તરફથી જોરદાર હોબાળો શરૂ થયો. દરમિયાન, ટીડીપી વતી કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ કહ્યું કે તેઓ કોઈપણ શરત વિના બિલનું સમર્થન કરશે. તેમણે કહ્યું કે ચૂંટણી પર રાજકીય પક્ષોનો ખર્ચ 1 લાખ કરોડને વટાવી ગયો છે. એક સાથે ચૂંટણી યોજવાથી આમાં ઘટાડો થશે.
વન નેશન, વન ઇલેક્શનની રૂપરેખા
2024માં બહાર પાડવામાં આવેલ વન નેશન, વન ઇલેક્શન પર આ વિઝનને અમલમાં મૂકવા માટે વિગતવાર રૂપરેખા આપવામાં આવી છે. 18 સપ્ટેમ્બર, 2024ના રોજ, કેન્દ્રીય કેબિનેટે સમિતિની ભલામણોને મંજૂરી આપી હતી, જે ચૂંટણી સુધારણા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. સમર્થકોનું માનવું છે કે આ સિસ્ટમ વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરી શકે છે, ચૂંટણી-સંબંધિત ખર્ચમાં ઘટાડો કરી શકે છે અને નીતિ સાતત્યને પ્રોત્સાહન આપી શકે છે.વન નેશન, વન ઇલેક્શનનો વિચાર ભારત માટે નવો નથી. બંધારણ અપનાવ્યા પછી, લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ 1951 થી 1967 સુધી એકસાથે જ યોજવામાં આવી હતી. વર્ષ 1951-52માં એકીકૃત રીતે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ બંનેની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી.
જો કે, વર્ષ 1968 અને 1969માં કેટલીક રાજ્ય વિધાનસભાઓના સમય પહેલાના વિસર્જનને કારણે આ સિસ્ટમમાં વિક્ષેપ પડ્યો હતો. ચોથી લોકસભા પણ 1970ની શરૂઆતમાં જ ભાંગી પડી અને એ 1971માં નવી ચૂંટણીઓનું કારણ બન્યું હતું. જ્યારે પ્રથમ, બીજી અને ત્રીજી લોકસભાએ તેમની સંપૂર્ણ પાંચ વર્ષની મુદત પૂરી કરી હતી, પાંચમી લોકસભાની મુદત કટોકટી દરમિયાન કલમ 352 હેઠળ 1977 સુધી લંબાવવામાં આવી હતી. ત્યારથી, માત્ર અમુક લોકસભાની મુદત જેમ કે આઠમી, દસમી, ચૌદમી અને પંદરમી-એ તેમનો સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યો છે. જ્યારે છઠ્ઠી, સાતમી, નવમી, અગિયારમી, બારમી અને તેરમી લોકસભા તેનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ વિભાજિત થઈ ગઈ હતી. રાજ્ય વિધાનસભાઓએ પણ વર્ષોથી સમાન વિક્ષેપોનો સામનો કરવો પડ્યો છે, જેમાં વારંવાર સમય પહેલા વિસર્જન મોટો પડકાર રહયો છે. આ ઘટનાક્રમોએ એકસાથે ચૂંટણી પ્રક્રિયામાં નોંધપાત્ર વિક્ષેપો ઊભા કર્યા છે.
રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના
ભારત સરકાર દ્વારા 2 સપ્ટેમ્બર,2023ના રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સાથે ચૂંટણીઓ પરની ઉચ્ચ-સ્તરીય સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. સમિતિનો પ્રાથમિક આદેશ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની શક્યતાનું મૂલ્યાંકન કરવાનો હતો. આ હાંસલ કરવા માટે, સમિતિએ જાહેર અને રાજકીય હિસ્સેદારો પાસેથી વ્યાપક પ્રતિસાદ મેળવ્યો અને આ ચૂંટણી સુધારણાના સંભવિત લાભો અને પડકારોનું મૂલ્યાંકન કરવા નિષ્ણાતોની સલાહ લીધી. આ અહેવાલ સમિતિના તારણો, બંધારણીય સુધારા માટેની તેની ભલામણો અને શાસન, સંસાધન વ્યવસ્થાપન અને જાહેર ભાવનાઓ પર એક સાથે ચૂંટણીની અપેક્ષિત અસરનું વ્યાપક વિશ્લેષણ પૂરું પાડે છે.
191 દિવસનું સંશોધન
આ સમિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, 15મા નાણાં પંચના પૂર્વ અધ્યક્ષ એન કે સિંહ, લોકસભાના પૂર્વ મહામંત્રી ડો. સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને ચીફ વિજિલન્સ કમિશ્નર સંજય કોઠારી સામેલ હતા. આ ઉપરાંત ખાસ આમંત્રિત સભ્ય તરીકે કાયદા રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ડો. નિતેન ચંદ્ર પણ સમિતિનો હિસ્સો હતા.
191 દિવસના સંશોધન બાદ આ સમિતિએ 18,626 પાનાનો વિગતવાર અહેવાલ તૈયાર કર્યો હતો. સપ્ટેમ્બર 2024માં વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સમિતિની ભલામણોને મંજૂરી આપી હતી. ત્યાર બાદ 12 ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટે ‘વન નેશન વન ઇલેક્શન’ સંબંધિત બિલને મંજૂરી આપી દીધી છે, જે તેને કાયદો બનાવવાની દિશામાં એક પગલું ગણી શકાય. કેન્દ્ર સરકારનો દાવો છે કે ‘વન નેશન વન ઇલેક્શન’ ચૂંટણી સુધારાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે. સરકારનું માનવું છે કે આનાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, વિકાસ કાર્યોમાં વેગ આવશે અને સરકારી કર્મચારીઓને વારંવાર ચૂંટણી ફરજમાંથી મુક્તિ મળશે.
વિરોધ પક્ષોએ ઘણી ખામીઓ ગણાવી
જ્યારે બીજી તરફ વિરોધપક્ષો તેમાં ઘણી ખામીઓ ગણાવી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે, તે બંધારણના માળખાની વિરુદ્ધ છે. ‘વન નેશન, વન ઇલેક્શન’ના સમર્થનમાં ચૂંટણી ખર્ચનો ખાસ તર્ક આપવામાં આવે છે. પરંતુ ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી એસ વાય કુરેશી આનાથી સહમત નથી.
તેમણે કહ્યું કે, ભારતમાં ચૂંટણી યોજવામાં લગભગ 4 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે જે બહુ મોટો ન કહેવાય. આ ઉપરાંત રાજકીય પક્ષોના લગભગ 60 હજાર કરોડના ખર્ચની વાત છે. આ સારું છે કારણ કે, તેનાથી નેતાઓ અને રાજકીય પક્ષોના રૂપિયા ગરીબો સુધી પહોંચે છે. એસ વાય કુરેશીનું માનવું છે કે, સરકારે ચૂંટણી ખર્ચ ઘટાડવા માટે બીજા નક્કર પગલાં લેવાં જોઈએ જે ખરેખર અસરકારક હોય. તેમના મતે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિને 47 રાજકીય પક્ષોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમાંથી 15 દળોએ તેને લોકશાહી અને બંધારણના માળખાની વિરુદ્ધ ગણાવ્યું હતું.આ ઉપરાંત ઘણા પક્ષોએ સવાલ ઉઠાવ્યો છે કે, આનાથી નાની પાર્ટીઓ માટે મુશ્કેલીઓ પેદા થઈ શકે છે અને લોકતંત્રની વિવિધતાને નુકસાન થઈ શકે છે.
રાજકીય પક્ષોના અલગ-અલગ વિચારો
વન નેશન-વન ઈલેક્શન માટે તમામ રાજકીય પક્ષોના અલગ-અલગ વિચારો છે, આના પર સર્વસંમતિ નથી બની રહી. કેટલાક રાજકીય પક્ષો માને છે કે, આવી ચૂંટણીઓથી રાષ્ટ્રીય પક્ષોને ફાયદો થશે, પરંતુ પ્રાદેશિક પક્ષોને નુકસાન થશે. ખાસ કરીને પ્રાદેશિક પક્ષો આવી ચૂંટણી માટે તૈયાર નથી. તેઓ એવું પણ માને છે કે, જો વન નેશન-વન ઈલેક્શનની વ્યવસ્થા કરવામાં આવશે તો રાષ્ટ્રીય મુદ્દાઓની સામે રાજ્ય સ્તરના મુદ્દા દબાઈ જશે.