મુંબઈ હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાને ભારત લવાશે, અમેરિકન સુપ્રીમ કોર્ટની પ્રત્યાર્પણને મંજૂરી

વોશિંગ્ટન: અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશિનને ફગાવી દીધી છે. આ સાથે જ અમેરિકાની સુપ્રીમ કોર્ટે આતંકવાદી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી પણ આપી દીધી છે. ભારતની આ મોટી જીત છે. પાકિસ્તાનમાં જન્મેલા કેનેડિયન નાગરિક તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં વોન્ટેડ છે. ભારત તેના પ્રત્યાર્પણની વિનંતી કરી રહ્યું હતું. તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ ન કરાવવા માટે આ છેલ્લી કાયદાકીય તક હતી.

અગાઉ તેણે સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. યુએસ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે. મુંબઈ હુમલાની 405 પાનાંની ચાર્જશીટમાં રાણાના નામનો પણ આરોપી તરીકે ઉલ્લેખ છે. આ મુજબ રાણા ISI અને લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. ચાર્જશીટ મુજબ રાણા હુમલાના મુખ્ય આરોપી ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી રહ્યો હતો.

આ પહેલા અમેરિકન સરકારે કોર્ટમાં દલીલ આપી હતી કે રિવ્યૂ પિટિશિન ફગાવી દેવી જોઈએ. યુએસ સોલિસિટર જનરલ એલિઝાબેથ બી. પ્રીલોગરે 16 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના દસ્તાવેજમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, તહવ્વુર રાણા આ કેસમાં ભારત પ્રત્યાર્પણમાંથી મુક્તિ મેળવવા માટે હકદાર નથી.

પ્રીલોગરે અરજીનો વિરોધ કર્યો હતો

નાઇન્થ સર્કિટ માટે ‘યુનાઈટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ’ ના નિર્ણયની સમીક્ષા કરવા માટેની પોતાની રિવ્યૂ પિટિશિનમાં રાણાએ દલીલ કરી હતી કે, 2008ના આતંકવાદી હુમલા સંબંધિત આરોપો પર ઈલિનોઇસ (શિકાગો) ના નોર્ડન ડિસ્ટ્રિક્ટમાં ફેડરલ કોર્ટમાં મારી સામે કેસ ચલાવવામાં આવ્યો અને મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. ભારત હવે શિકાગો કેસ જેવા જ કૃત્યોના આધારે આરોપો પર કાર્યવાહી માટે મારું પ્રત્યાર્પણ ઈચ્છે છે. પ્રીલોગરે તેની અરજીનો વિરોધ કર્યો હતો.

યુએસ સોલિસિટર જનરલે કહ્યું હતું કે, સરકાર એવું નથી માનતી કે, ભારત જે કૃત્યો માટે પ્રત્યાર્પણ માંગે છે તે આ કેસમાં સરકારી કાર્યવાહીના દાયરામાં હતા. ઉદાહરણ તરીકે, ભારતના છેતરપિંડીના આરોપો આંશિક રીતે એવા વર્તન પર આધારિત છે જેના પર અમેરિકામાં સુનાવણી કરવામાં ન આવી.

10 આતંકીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘૂસ્યા

26 નવેમ્બર, 2008ના રોજ લશ્કર-એ-તૌયબાના 10 આતંકવાદીઓ મોટી માત્રામાં દારૂગોળો અને શસ્ત્રો લઈને મુંબઈમાં દરિયાઈ માર્ગે પ્રવેશ્યા હતા. તેઓએ મુંબઈમાં 9 જગ્યાએ બોમ્બ વિસ્ફોટ કર્યા હતા.

આતંકવાદીઓએ આ સ્થળોને નિશાન બનાવ્યા હતા

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ઓબેરોય ટ્રાઇડન્ટ હોટલ, તાજ હોટલ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા બિલ્ડીંગ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજની પાછળની ગલી. મુંબઈના પોર્ટ વિસ્તાર મઝગાંવ અને વિલે પાર્લેમાં પણ ટેક્સીમાં વિસ્ફોટ થયો હતો. 28 નવેમ્બરની સવાર સુધીમાં, મુંબઈ પોલીસ અને સુરક્ષા દળોએ તાજ હોટલ સિવાય તમામ સ્થળોને સુરક્ષિત કરી લીધા હતા. તાજ હોટલમાં છુપાયેલા આતંકવાદીઓનો સફાયો કરવા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સની મદદ લેવી પડી હતી. એનએસજીએ 29 નવેમ્બરના રોજ ઓપરેશન બ્લેક ટોર્નેડો શરૂ કર્યું, જે તાજ હોટેલમાં છેલ્લા બાકી રહેલાં હુમલાખોરોના મૃત્યુ સાથે સમાપ્ત થયું હતું. આ સાથે મુંબઈમાં 72 કલાકના આતંકવાદી હુમલાનો અંત આવ્યો. આ આતંકી હુમલામાં 6 અમેરિકન નાગરિકો સહિત કુલ 166 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મુંબઈ પોલીસની ચાર્જશીટ મુજબ રાણા ભારત આવ્યા બાદ હુમલાની જગ્યા અને રહેવાની જગ્યાઓ જણાવવામાં આતંકવાદીઓને મદદ કરી રહ્યો હતો. રાણાએ જ બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી, જેના આધારે આ હુમલો કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!