રાજકોટઃ રાજકોટમાં ફરીથી આગની મોટી ઘટના બની હતી. આજે બુધવારના દિવસે રાજકોટના લોધિકા તાલુકાની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે ફેક્ટરીમાં કામ કરી રહેલા કામદારો અને કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. રાજકોટ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આગના પગલે આસપાસના ગામલોકો પણ ઘટનાસ્થળે એકઠા થયા હતા.
રાજકોટની મેટોડા GIDCમાં ગોપાલ નમકીની ફે્કટરી આવેલી છે. જેમાં ફ્રાઈમ્સ, પાપડ, વેફર જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના પગલે કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી હતી.
આગની જાણ થતા રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે, ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગ વધુ પ્રમાણમાં હોય આગ વિકરાળ બની હોવાનું લાગી રહ્યું છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.