અમદાવાદમાં કોન્સ્ટેબલ માટે બનશે ભવ્ય 2BHK ફ્લેટ, સુવિધા એવી કે આંખો ફાટી જશે!

  • પોલીસના પરિવારોને રહેવા મળશે ભવ્ય ફ્લેટ
  • વુડન વોર્ડરોબથી લઈ મોડ્યુલર કિચન સુધીની સુવિધા
  • 13 માળ અને 18 ટાવરમાં હશે 920 ફ્લેટ
  • રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન બનવાનો દાવો

ગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દરજ્જાના પોલીસકર્મીઓ કાયમી પોતાની નોકરી અને પરિવાર વચ્ચે બેલેન્સ કરવા સંઘર્ષ કરતા જોવા મળે છે. તેઓ ઓછા પગારને કારણે ઘણી વખત નિવૃત્તિ સુધી ઘરનું ઘર પણ લઈ શકતા નથી. કોન્સ્ટેબલની આ મુશ્કેલીને ધ્યાને લઇને અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હવે શહેરની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે. પોલીસ લાઈનમાં 13 માળનાં કૂલ 18 ટાવર બનશે.

પોલીસ લાઇનમાં બનવા જઇ રહેલા ટાવરમાં 920 મકાનો હશે, જેમાં 2BHK ફ્લેટ કોન્સ્ટેબલોને ફાળવવામાં આવશે. તમામ મકાનો 13 માળના ટાવર અને બે માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવનાર છે. આ તમામ મકાન ફર્નિચર સાથે ફાળવવામાં આવશે.

આ મહિનાના અંત સુધીમાં આ જગ્યાનું ખાતમુહૂર્ત થશે, જેના માટે સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 920 પરિવાર આ પોલીસ લાઈનમાં રહેશે અને ત્યાં જ બે બ્લોકને જોડીને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બનવાનું છે. જે આગામી સમયમાં અમદાવાદ શહેરના અત્યાધુનિક પોલીસ સ્ટેશન પૈકીનું એક હશે. આ મકાનમાં સહેજ પણ કચાશ ન રહે તે માટે આખું કામ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અનુભવી લોકોના મોનિટરિંગમાં થવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી પોલીસલાઇનમાં આજના સમયમાં જરૂરી તમામ વસ્તુઓ રાખવાનો પ્રયાસ કર્યો છે તેમજ પોલીસ પરિવાર સારી જિંદગીનો અહેસાસ કરી શકે એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. લાઇટ, પંખા, મોડ્યુલર કિચન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસકર્મચારીને હવે નવી પોલીસલાઈનનું નિર્માણ થતાં ખૂબ સારી સુવિધાઓનો લાભ પ્રાપ્ત થશે.

પોલીસલાઇનના બાંધકામને લઇ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ટોચના અધિકારીઓ દ્વારા દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓને સવલતો વધે અને પારિવારિક જીવનમાં સરળતા વધે એ હેતુથી અત્યારસુધી પોલીસ કોન્સ્ટેબલને મળતા 41.85 ચો.મી.ના 1 BHK બદલે 50થી 55 ચો.મી.ના 2 BHKના ક્વાર્ટર્સ મળશે, જ્યારે PSIને મળતા 55.46 ચો.મી.ના 2 BHKને બદલે 60થી 65 ચો.મી.ના 3 BHK ક્વાર્ટર મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *