ઉત્તર પ્રદેશના લખનઉમાં એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. લખનઉની એક હોટેલમાંથી ચાર દીકરીઓ અને તેમની માતાના મૃતદેહ મળી આવ્યા છે. આ ચાર દીકરીઓમાંથી બે સગીર છે. જ્યારે બેની ઉંમર 18 અને 19 વર્ષ છે. લખનઉની હોટલની અંદર થયેલી આ 5 હત્યાઓએ સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાવી દીધી છે. સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, 24 વર્ષના દીકરાએ અને તેમના પિતાએ જ સાથે મળીને માતા અને ચાર બહેનોને મોતને ઘાટ ઉતારી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે કાંડા અને ગળા પર પાતળા તીક્ષ્ણ હથિયારના નિશાન મળી આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના લખનઉના નાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આગ્રાનો રહેવાસી પરિવાર લખનઉની હોટેલ શરણજીતમાં રોકાયો હતો. ઘટના બાદ પોલીસે દીકરાને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઘર કંકાસના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પરંતુ બાદમાં આરોપીના વીડિયો પરથી જાણ થઈ કે તેણે કોલોનીના લોકોના અત્યાચારના કારણે આ હત્યાકાંડને અંજામ આપ્યો છે. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
ઘટનાને અંજામ આપનાર આરોપીનું નામ અરશદ છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી લીધી છે. હત્યા બાદ દીકરો ત્યાં જ રોકાયો હતો. તેણે જણાવ્યું કે, પિતા આત્મહત્યા કરવા માટે હોટેલ છોડીને જતા રહ્યા છે. પોલીસે હવે તેની તલાશ શરૂ કરી છે.
આરોપીએ લગાવ્યા ગંભીર આરોપ
આ સમગ્ર હત્યાકાંડ બાદ આરોપીએ એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેમણે તેમની કોલોનીના લોકો પર ગંભીર આરોોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, મારું નામ અસદ છે અને આજે અમે કોલોનીના લોકોના કારણે મજબૂરીમાં આ પગલું ભર્યું છે. માતા અને બહેનની મેં મારા હાથે હત્યા કરી નાખી છે. આ હત્યા માટે કોલોનીના રહીશો જવાબદાર છે. આ લોકોએ અમારું ઘર છીનવી લેવા માટે ઘણા અત્યાચાર કર્યા. અમે અમારો અવાજ ઉઠાવ્યો ત્યારે કોઈએ અમારી વાત ન સાંભળી. અમે 10-15 દિવસથી શિયાળામાં રઝળપાટ કરી રહ્યા છીએ. યોગીજીને વિનંતી છે કે આવા મુસ્લિમોને બક્ષવામાં નહીં આવે, આખી કોલોની આ તમામના મોત માટે જવાબદાર છે. મોત માટે જવાબદાર લોકો રાનુ ઉર્ફે આફતાબ અહેમદ, અલીમ ખાન, સલીમ ખાન, ડ્રાઈવર, અહમદ, અઝહર અને તેના અન્ય સંબંધીઓ છે, આ લોકો છોકરીઓને વેચવાનો ધંધો કરે છે. આ લોકોએ અમને જેલમાં મોકલવાની અને અમારી બહેનોને વેચવાનો પ્લાન બનાવ્યો હતો. અમે આવું ન હોતા ઇચ્છતા.