ખ્યાતિ હોસ્પિટલે વધુ એકનો ભોગ લીધો: એન્જિયોપ્લાસ્ટી બાદ 72 વર્ષીય દર્દીનું મોત

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનાર ખ્યાતિ હોસ્પિટલ ફરી એક વખત વિવાદોમાં સપડાઈ છે. ખ્યાતિ હોસ્પિટમાં એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. મહેસાણા જિલ્લાના કડીના બોરીસણા ગામના 72 વર્ષના વૃદ્ધની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ છે. નોંધનીય છે કે, અગાઉ બે દર્દીના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ તપાસ હાથ ધરાતા PMAY યોજનાના લાભ માટે ખોટા ઓપરેશન કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો.

72 વર્ષના વૃદ્ધનું મોત

મહેસાણા જિલ્લાના કડીના બોરીસણા ગામના 72 વર્ષના વૃદ્ધનું મોત થઈ ગયું છે. ત્યારે હવે તેમના પરિવારે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદથી સતત તેમની તબિયત લથડી રહી હતી. એન્જિયોપ્લાસ્ટી બાદથી તેઓને બીપી અને શ્વાસની સમસ્યાઓમાં વધારો થયો હતો. બાદમાં તેમને કડીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.

બે દર્દીના મોત બાદ હોબાળો

પ્રાપ્ત માહિતી પ્રમાણે અઢી મહિના પહેલા કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ બાદ 19 જેટલા દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી જેમાં બે દર્દીના મોત નીપજ્યા હતા. ત્યારબાદ બે દર્દીના મોત બાદ હોબાળો મચ્યો હતો અને ખ્યાતિ હોસ્પિટલના તબીબો તેમજ સંચાલકો સામે ગુનો દાખલ કરાયો હતો. આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પરિવારે ન્યાયની માગ કરી

હાલ મૃતકના પરિવારજનોએ ખ્યાતિ હોસ્પિટલ સામે રોષ વ્યક્ત કરી ન્યાયની માગ કરી છે. મૃતક કાંતિ પટેલના પૌત્ર અરૂણ પટેલે કહ્યું કે, કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી, ત્યાર બાદથી તેમની તબિયત ખરાબ હતી. આ મુદ્દે અમે પહેલાંથી જ ખ્યાતિ હોસ્પિટલ પર કેસ કરી ચુક્યા છે. હવે આ મામલે અમે દાદાની મોત બાદ ન્યાયની માંગ કરી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!