10 વર્ષે ભારતે BGT ટ્રોફી ગુમાવી, WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની એન્ટ્રી

સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. કાંગારૂ ટીમે સીરિઝની પાંચમી ટેસ્ટ 6 વિકેટે જીત લીધી છે. ભારતની આ હારથી કરોડો ભારતીય ચાહકોના દિલ તૂટી ગયા છે. આ હારથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025ની રેસમાંથી પણ બહાર થઈ ગઈ છે. ભારતને હરાવીને કાંગારૂ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ક્વોલિફાય થઈ ગઈ છે.

આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 162 રન બનાવી લીધા હતા. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે બોલિંગ કરવા પણ નહોતો આવ્યો અને એના કારણે જ કાંગારૂઓ ફાવી ગયા અને ટારગેટને સરળતાથી ચેઝ કરી ગયા. આ સાથે ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની આશાઓ પણ ખતમ થઈ ગઈ છે. 10 વર્ષે ટીમ ઈન્ડિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ગુમાવી હતી.

આ પહેલા દક્ષિણ આફ્રિકા WTC ફાઈનલમાં ક્વોલિફાય થયું હતું અને હવે ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્ર 2023-25માં હજુ 2 વધુ ટેસ્ટ રમવાની છે. ટીમ ઈન્ડિયાએ આ ચક્રની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. WTC ફાઈનલમાં જગ્યા બનાવવાની પોતાની આશા જાળવી રાખવા માટે ભારતે કોઈપણ ભોગે સિડની ટેસ્ટ જીતવાની જરૂર હતી. માત્ર જીત જ ટીમ ઈન્ડિયાને આગળ લઈ જઈ શકે તેમ હતું.

તમને જણાવી દઈએ કે WTC ફાઈનલ માટે તારીખ અને વેન્યુ ICC દ્વારા પહેલાથી જ નક્કી કરી લેવામાં આવ્યું છે. આ ટાઈટલ મેચ 11થી 15 જૂન, 2025 વચ્ચે લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. બીજી તરફ 16 જૂનને જરૂર પડવા પર રિઝર્વ ડે તરીકે ઉપયોગમાં લેવાશે. તમને જણાવી દઈએ કે પહેલીવાર WTC લોર્ડ્સમાં રમાશે.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2023માં ટેસ્ટ ચેમ્પિયનશિપની ટાઈટલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે ફરી એકવાર ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *