બેંગલુરુ ચીનના HMPV વાઈરસનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયા બાદ અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાઈરસનો (HMPV) શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ શહેરમાં શંકાસ્પદ કેસ મળી આવતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
અમદાવાદ શહેરમાં 2 મહિનાના બાળક વાઇરસથી પોઝિટિવ મળી આવ્યું છે. બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. અગાઉ બેંગ્લુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં આ વાઈરસ ડિટેક્ટ થયો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે HMPV વાઇરસ જૂનો છે, હાલમાં વ્યાપ વધ્યો છે. તેનું સંક્રમણ ચોક્ક્સપણે વધ્યું છે, પરંતુ ડરવાની જરૂર નથી. કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ છે. ગુજરાત કેન્દ્રની સરકારની ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરશે. આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, ‘હજુ સુધી ગુજરાતમાં એકપણ કેસ નોંધાયો નથી, પરંતુ આપણે તકેદારીના પગલાં ભાગરૂપે રાજ્યની હોસ્પિટલોમાં RTPCRની જેમ ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે.’
આ વાઈરસના લક્ષણો શું છે?
આ વાઈરસને હ્યુમન મેટાપ્યુમો વાઈરસ અથવા HMPV વાઈરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
આ માત્ર શિયાળામાં થનારી બીમારી છેઃ ચીન
ચીને કહ્યું કે આ માત્ર શિયાળામાં થનારી બીમારી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે શિયાળા દરમિયાન શ્વસન સંબંધી રોગોના કેસ ઓછા ગંભીર છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશીઓ માટે ચીનની યાત્રા કરવી સલામત છે. મંત્રાલયના પ્રવકતા માઓ નિંગે દેશમાં ઈન્ફલ્યુએન્ઝા અને અન્ય શ્વસન રોગોના ફેલાવા અંગેના પ્રશ્નના જવાબમાં પત્રકારોને જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુમાં શ્વસન સંબંધિત ચેપ તેની ટોચ પર હોય છે.
સોશિયલ મીડિયા પર ચીનની હોસ્પિટલની તસવીરો વાયરલ
ચીનની હોસ્પિટલોમાં માસ્ક પહેરેલા લોકોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે પાંચ વર્ષ પહેલાં કોવિડ ફાટી નીકળવાની યાદોને તાજી કરે છે. કોવિડની જેમ, એચએમપીવીના ફાટી નીકળવાથી પણ સંભવિત વૈશ્વિક રોગચાળાની ચિંતા વધી છે. ચીને આવી ચિંતાઓને દૂર કરવા માટે એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડું છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા માઓ નિંગે કહ્યું કે શિયાળામાં શ્વસન ચેપનો ફેલાવો સામાન્ય છે અને ચીનમાં મુસાફરી કરવી સલામત છે.
એચએમપીવી પર WHOનું કોઇ સત્તાવાર નિવેદન નહીં
વિશ્વ આરોગ્ય સંસ્થાએ હજુ સુધી એચએમપીવી ફાટી નીકળવા અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડું નથી, ન તો ચીન અથવા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્રારા કોઈ કટોકટી જાહેર કરવામાં આવી છે. ચીનના પાડોશી દેશો આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. એચએમપીવીના કેટલાક કેસ હોંગકોંગમાં પણ નોંધાયા છે