- નવો જાહેર થયેલો વાવ-થરાદ જિલ્લાનું વડુંમથક થરાદ બનશે, હવે રાજ્યમાં 34 જિલ્લા
ગુજરાતને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવો જિલ્લો મળી શકે છે. ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. વર્ષ 2026માં અસ્તિત્વમાં આવનારા નવા વિસ્તાર માટે ચૂંટણી યોજાઇ શકે છે.
નવા વર્ષે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકારે ભેટ આપી છે. વાવ-થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે.
હાલ બનાસકાંઠાનું વડુમથક પાલનપુર છે. વાવ-થરાદ નવો જિલ્લો જાહેર થતા તેમાં વાવ, સુઈગામ, થરાદ, દિયોદર, ભાભર, લાખણી અને કાંકરેજનો સમાવેશ થશે. જ્યારે પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા, ધાનેરા, દાંતિવાડા અને વડગામ હાલના જિલ્લામાં જ રહેશે. બનાસકાંઠા જિલ્લાનું હાલનું મથક પાલનપુર થરાદથી 90 કિલોમીટર દૂર છે. થરાદને નવો જિલ્લો બનાવવાથી વહીવટી કામોમાં સરળતા આવશે.
વર્ષ 2027ની ચૂંટણી અગાઉ સીમાંકન બદલાશે જેના કારણે વિધાનસભાની સીટ 182થી વધી શકે છે. આ નિર્ણયથી વહીવટી સરળતાનો લાભ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળી શકે છે. જૂનો બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો હોવાથી સરકારી કામકાજ માટે લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું.