સુરત: એક તરફ આખો દેશ નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને જશ્ન મનાવી રહ્યો હતો. ત્યારે બીજી તરફ સુરતના હજીરામાં વર્ષના છેલ્લા દિવસે અંતિમ કલાકોમાં મોટી દુર્ઘટના ઘટી છે. સુરતના હજીરામાં AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ત્યાં કામ કરતા ચાર કર્મચારીઓના મોત થઈ ગયા છે, મોતનો આંકડો વધી શકે છે.
આગ લીફ્ટ સુધી પહોંચી ગઈ હતી
પ્રાપ્ત માહિતી પ્રમાણે હજીરામાં આવેલી AMNS કંપનીમાં ગઈ કાલે સાંજે અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. આ આગ કોરેક્સ-2 પ્લાન્ટમાં લાગી હતી. આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાનું કામ થાય છે. આ આગ લીફ્ટ સુધી પહોંચી ગઈ હતી. જેથી લીફ્ટમાં ફસાયેલા ચાર લોકોના દાઝી જવાના કારણે મોત થયા હતા. જ્યારે પાંચથી છ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ હજીરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ
આગની ઘટનાને લઈને કંપનીમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ચીમનીમાં આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે આ ઘટના બની હતી. આ આગની ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને મોતનો આંકડો હજુ વધે તેવી આશંકા સેવાઈ રહી છે.