રાજકોટ શહેરની યુનિકેર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના ડોક્ટરે યુવતીને ડાબા પગમાં ગાંઠ હતી તેને બદલે જમણા પગમાં ઓપરેશન કરી નાખ્યું છે. યુવતીએ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલના ડો.જીગીશ દોશીનું નામ આપ્યું હતું. આ બનાવમાં તપાસ કમિટીએ રિપોર્ટમાં ‘બેદરકારી નકારી શકાય નહી’ એવો ઉલ્લેખ કરતા ડોક્ટરની ભૂલ હોય તેવું પ્રતીત થાય છે.
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી યુનિકેર હોસ્પિટલમાં જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતી સપના મહેશભાઇ પટોડિયા (ઉ.વ.20) સારવાર માટે આવી હતી.
સપના પટોડિયાને 10 વર્ષ પહેલાં જૂનાગઢમાં ગણેશ વિસર્જન વખતે ટ્રક પલટી ખાઇ જતાં તેને ડાબા પગમાં સામાન્ય ઇજા થઇ હતી. જેથી તે વખતે કોઇ સારવાર કરી નહોતી, બાદમાં ડાબા પગે ગોઠણથી નીચે દુખાવો શરૂ થયો હતો. યુવતીએ જૂનાગઢમાં ડો.નિકુંજ ઠુંમર પાસે નિદાન કરાવતાં સપનાને ડાબા પગમાં લોહીની ગાંઠ થયાનું સાબિત થયું હતું અને આ માટે વાસ્ક્યુલર સર્જનને બતાવવાનું કહ્યું હતું.
યુવતીએ તપાસ કરતાં રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ પર વાસ્ક્યુલર સર્જન દ્વારા ઓપરેશન કરી આપવામાં આવે છે તેની જાણ થઇ હતી. સપના તા.3 એપ્રિલના રાજકોટ યુનિકેર હોસ્પિટલે આવી હતી અને ડો.જીગીશ દોશીએ પાંચ દિવસની દવા આપી હતી. તા.10 એપ્રિલના સપના ફરીથી હોસ્પિટલે આવી હતી અને દવાથી દુખાવામાં કોઇ રાહત નહીં હોવાનું કહેતા ડો.દોશીએ ઓપરેશન કરવું પડશે તેમ કહ્યું હતું.
ડોક્ટરની સલાહ માની સપના યુનિકેર હોસ્પિટલમાં તા.24 એપ્રિલના રોજ દાખલ થઇ હતી અને તા.25ના ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ ડો.જીગીશ દોશીએ સપના અને તેના પરિવારજનોને કહ્યું હતું કે, ડાબા પગ ઉપરાંત જમણા પગમાં પણ નાની ગાંઠ હોવાથી ડાબા પગની સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું છે અને તા.26ના રજા અપાતા સપના પોતાના ઘરે જતી રહી હતી.
ઓપરેશન બાદ સપનાને ડાબા પગનો દુખાવો બંધ થઇ ગયો હતો પરંતુ જમણા પગમાં દુખાવો થવા લાગ્યો હતો. જેથી સપના ફરીથી ડો.જીગીશ દોશીને મળતા તેણે છ મહિના આરામ કરવાનું કહ્યું હતું અને આરામ બાદ દુખાવો મટી જશે તેવી વાત કરી હતી, પરંતુ યુવતીને દુખાવાથી રાહત મળી નહોતી.
સપનાએ જૂનાગઢમાં ડો.ઠુંમરને બતાવતા તેમણે એમઆરઆઇ સહિતના રિપોર્ટ કરાવતાં ડો.દોશીએ સર્જરી વખતે કરેલી ભૂલનો ભાંડાફોડ થયો હતો. ડો.ઠુંમરે કહ્યું હતું કે, ઓપરેશન વખતે ભૂલ થવાથી ગોઠણના ભાગે આવતી નસ થોડી દૂર જતી રહી છે અને તે કારણે દુખાવો થઇ રહ્યો છે. ડો.જીગીશ દોશીની લાપરવાહીને કારણે સપનાને જમણા પગમાં આજીવન ખોટ રહી ગઇ છે.
બેદરકારી નકારી શકાય નહીઃ તપાસ કમિટી
આ મામલે સપનાએ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સપનાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જમણા પગમાં મંજૂરી વગર ડો.દોશીએ ઓપરેશન કર્યું હતું અને તે પગમાં ખોટ રહી ગઇ હતી. તેણે ગાંધીગ્રામ પોલીસમાં જેતે સમયે અરજી કરી ત્યારે આ મામલે તપાસ માટે તબીબી નિષ્ણાત સહિતની એક કમિટીની રચના થઇ હતી અને તે કમિટીએ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ પોલીસને આપ્યો હતો તે રિપોર્ટમાં પણ લખ્યું હતું કે, ‘ઓપરેશનમાં સારવાર કરનાર ડોક્ટરની બેદરકારી નકારી શકાય નહીં અને ઓપરેશનનું કારણ શંકાસ્પદ લાગે છે.