ધોળકા: રાજ્યમાં અવારનવાર અનેક ગમખ્વાર અકસ્માત સર્જાઇ રહ્યા છે ત્યારે આજે અમદાવાદમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના ધોળકામાં દારૂના નશામાં ધૂત એક વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હતો. રાત્રિના સમયે એક ઇકો કાર ચાલકે દારૂના નશામાં ધૂત થઈને ઈકો હંકારી બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું કરુણ મોત નીપજ્યું છે.
ઈકો ચાલક દારૂના નશામાં ધૂત હોવાનું સામે આવ્યું
બળવંતભાઈ ચૌહાણ નામના વ્યક્તિ નોકરી પરથી બાઈક પર ઘરે પરત રહ્યા હતા ત્યારે અકસ્માતમાં ઈકો ચાલકે તેમને અડફેટે લીધા હતા. ઈકો ચાલકે તેમને કચડી નાખતા તેમનું મોત નીપજ્યું છે. હવે આ ઈકો ચાલક દારૂના નશામાં ધૂત હોવાનું સામે આવ્યું છે. તેણે તેજ રફ્તાર કાર ચલાવીને એક કાર ચાલક અને 3 રાહદારીઓને પણ ટક્કર મારી હતી.
અકસ્માતની સમગ્ર ઘટનાના CCTVમાં કેદ
બીજી તરફ હવે આ અકસ્માતની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. ઘટનાને લઈને ધોળકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.