અમદાવાદઃ ગુજરાતમાં રોકાણ સામે ઊંચુ વળતર આપવાની લાલચ આપીને સેંકડો લોકોને છેતર્યા હોવાનું BZ કૌભાંડ સામે આવ્યું છે. આવું બીજુ કૌભાંડ સુરેન્દ્રનગરમાં પકડાયું છે, જેમાં એકના ડબલ લેવાની લાલચમાં ધ્રાંગધ્રાના મેથાણ ગામના અનેક લોકો છેતરાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે પોણા એક કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પાલનપુરની પ્રસિદ્ધી નિર્માણ હાઉસિંગ સોસાયટીના સંચાલકોએ ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમા ત્રણ બહેનો (ઇન્દુબેન, સવિતાબેન અને સુશીલાબેન)ને એજન્ટ બનાવી હતી. આ એજન્ટ બહેનો મારફતે 6 વર્ષમાં નાણા ડબલ કરવાની લાલચ આપી અનેક રોકાણકારો પાસેથી નાણા ઊઘરાવ્યાં છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના એક જ ગામની 100થી વધુ મહિલાઓ શિકાર બની છે.
કંપનીએ મહિલાઓ પાસે દર વર્ષે રૂ. 12,000 લેખે છ વર્ષના રૂ. 72,000 રોકડા અને રૂ. 1,000 વીમાના મળી કુલ રૂ. 73,000નું રોકાણ કરી એમને પછી રૂ. 98,000 પાછા આપવાનો વાયદો કર્યો હતો.
વાયદા કરેલી પાકતી મુદ્દતે રોકાણ કરનારાઓએ રકમની માંગણી કરતા મહિલા એજન્ટો ધ્રાંગધ્રા સ્થિત ઓફિસે મનોજ પનારાનો સંપર્ક કરવા ગયા હતા, પણ ધ્રાંગધ્રાની ઓફિસે તાળા લાગેલા હતા. આ હાઉસિંગ સોસાયટીનો માલિક પાલનપુર ખાતે રહે છે, પણ એનો પણ કોઈ છેડો ન મળતા આ બહેનો પોતે છેતરાઈ હોવાનું માલુમ પડ્યું છે.
આ કંપનીના બનાસકાંઠાના એક ગામમાં રહેતા માલિકો રમણભાઈ તેમજ તેજલબેનને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. તેમના રોકાણના પૈસા પરત આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.