BZ કૌભાંડમાં વધુ એક ખુલાસો : રણાસણ શાખાના નરેશ પ્રજાપતિના ખાતામાં 92.89 લાખ ટ્રાન્સફર કરાયા

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર 422.26 કરોડના બીઝેડ કૌભાંડમાં CID ક્રાઇમે રણાસણ શાખાનો હિસાબ રાખનાર એકાઉન્ટન્ટ નરેશ પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે. આરોપીને ગઈ કાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયો હતો. આ દરમિયાન CID ક્રાઇમે મોટો ખુલાસો કર્યો હતો. CID ક્રાઇમે જણાવ્યું કે, આરોપી નરેશ પ્રજાપતિના ખાતામાં રૂ.92.89 લાખ ટ્રાન્સફર કરાયા હોવાનું સામે આવ્યું છે અને તેની પાસેથી વધુ વિગતો પ્રકાશમાં આવે તેવી શકયતા છે. ત્યારબાદ કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

CID ક્રાઈમે કરી ધરપકડ

CID ક્રાઈમે અરવલ્લી જિલ્લાનં મોડાસા તાલુકાના રણાસણ ગામેથી નરેશ પ્રજાપતિની ધરપકડ કરી હતી. નરેશ પ્રજાપતિ બીઝેડની રણાસણ શાખામાં નોકરી કરતો હતો અને કૌભાંડ બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો.

નરેશ પ્રજાપતિના ખાતામાં 92.89 લાખ ટ્રાન્સફર કરાયા

બીઝેડના કરોડો રૂપિયાના કૌભાંડમાં ઝડપાયેલ અરવલ્લીના નરેશકુમાર મણિલાલ પ્રજાપતિને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ રિમાન્ડ અરજીમાં રજૂઆત કરી હતી કે, ‘આરોપીઓએ 11232 લોકો પાસેથી 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. આ પૈસાનો હિસાબ આરોપી રાખતો હતો તેથી તે અંગે પુછપરછ કરવાની છે, બીઝેડની કૂલ 16 શાખાઓ હતી જેમાં કોણ શું વહીવટ કરતા હતા?, આરોપી નરેશ મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની સુચના પ્રમાણે રણાસણ શાખામાં ચેકો તથા આવેલ કેશનો હિશાબ રાખતો હતો તે હિસાબ કેટલો છે તેના ચોપડા ક્યાં છે?, આરોપી નરેશના બે ખાતામાં 92.89 લાખ રૂપિયા બીઝેડ ફાઇનાન્સના ખાતામાંથી જમા થયેલ છે તે પૈસા તેણે ક્યાં વાપર્યા? તેણે આ પૈસામાંથી કઇ કઇ મિલકત વસાવી છે તેની માહિતી કઢાવવાની છે.’

કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આ ઉપરાંત નરેશ પ્રજાપતિ બીઝેડ ફાઇનાન્સના એકાઉન્ટની બાબત સંભાળતો હતો તો ઓડિટ રિપોર્ટ સહિતના મુદ્દે તેની પુછપરછ કરવાની છે. આરોપીએ રોકાણકારોના એગ્રીમેન્ટ, ક્લાયન્ટ ફોમ સહિતના દસ્તાવેજ ક્યાં છે અને ક્યાં બનાવ્યા હતા, આરોપીએ ૩ ટકા પે આઉટ સીટ તૈયાર કરી હતી તે પે આઉટ સીટ ક્યાં છે, આરોપીઓ રોકડ નાંણા આપતા હતા તે કેવી રીતે આપતા હતા અને તેનો હિસાબ કેટલો થાય છે, આરોપીએ પોતાના મોબાઇલમાં રહેલ મેસેજ, વોટ્સ એપ મેસેસ, ડેટા ફોરમેટ કર્યો છે તે બાબતે તપાસ કરવા આરોપીની હાજરી જરૂરી છે સહિતના તમામ મુદ્દાની તપાસ માટે 8 દિવસના રિમાન્ડની જરૂર છે. સીઆઇડી ક્રાઇમની રિમાન્ડ અરજી ધ્યાનમાં લીધા બાદ કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *