આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મંદિરમાં નાસભાગને કારણે 4 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં 3 પુરૂષો અને એક મહિલા સામેલ છે. નાસભાગને કારણે અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મંદિર પરિસરમાં ટિકિટ બુકિંગ કાઉન્ટર પર 4 હજાર લોકો કતારમાં ઊભા હતા. આ દરમિયાન નાસભાગ નાસભાગ મચી ગઈ હતી. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ વૈકુંઠ એકાદશી 2025 માટે ઓનલાઈન બુકિંગ અને ટિકિટ આપવાનું શરૂ કરતાં તિરુપતિમાં વાર્ષિક વૈકુંઠ દર્શન ટિકિટ કાઉન્ટર પર અરાજકતા ફેલાઈ ગઈ હતી.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દુ:ખ વ્યક્ત કર્યું
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલા શ્રીવારી વૈકુંઠ દ્વાર પર દર્શન માટે ટોકન માટે તિરુપતિમાં વિષ્ણુ નિવાસમ પાસે થયેલી નાસભાગમાં 4 શ્રદ્ધાળુઓના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રાજ્યના ગૃહમંત્રી અનિતાએ પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યો છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં ઘાયલોને વધુ સારી મેડિકલ સુવિધા સુનિશ્ચિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગૃહમંત્રી અનિતાએ તિરુપતિ જિલ્લાના એસપી સુબ્બારાયાડુ સાથે ફોન પર વાત કરી અને વિસ્તૃત જાણકારી લીધી છે.
સીએમ ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, હું માનનીય ગૃહ મંત્રીને રૂઈયા હોસ્પિટલના ઈમરજન્સી સેવા વિભાગમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા વિનંતી કરું છું. ગૃહ મંત્રીએ શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવાનો આદેશ આપ્યો છે.