વ્યાજખોરના ત્રાસથી કંટાળી અમદાવાદના વેપારીએ કર્યો આપઘાત

અમદાવાદ: વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ મોતને વ્હાલું કરી લીધુ છે. અમદાવાદના ઘાટલોડિયામાં શેર માર્કેટ અને હીરા દલાલીના વ્યવસાય સાથે જોડાયેલા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધો છે. આ પહેલા પણ વ્યાજખોરોના ત્રાસને કારણે ઘણા લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. અમદાવાદમાં ફરી આવી ઘટના બની છે. જ્યાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એક વેપારીએ આપઘાત કરી લીધો છે. ઉછીના લીધેલા પૈસા પરત આપી દીધા બાદ પણ વ્યાજખોર દ્વારા સતત ઉઘરાણી કરવામાં આવી રહી હતી. જેનાથી કંટાળી વેપારીએ મોતને વ્હાલું કરી લીધું હતું.

પૈસા પરત આપ્યા છતાં વ્યાજખોર દ્વારા સતત ઉઘરાણી કરાતી

ઘાટલોડિયાના કેકે નગર રોડ પર સ્થિત ભાવિન સોસાયટીમાં રહેતાં અતુલભાઈ લક્ષ્મીશંકર ભટ્ટએ પોતાની સોસાયટીમાં રહેતા જીવાભાઈ વાઘજી દેસાઈ પાસેથી વર્ષ 2017માં 4 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. અતુલભાઈ શેર માર્કેટ અને હીરા દલાલીનું કામ કરતા હતા. વેપારીએ ત્રણ વર્ષ સુધી પૈસા પરત આપ્યા છતાં વ્યાજખોર દ્વારા સતત ઉઘરાણી કરવામાં આવી રહી હતી.

વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

અતુલભાઈએ ઉછીના લીધેલા 4 લાખ રૂપિયા પરત કરી દીધા હતા. પરંતુ વ્યાજખોરે કહ્યું કે આતો માત્ર મૂડી પરત કરી છે, જ્યારે વ્યાજ તો બાકી છે. ત્યારબાદ વેપારી પાસે સતત ઉઘરાણી કરવામાં આવતી હતી. આ ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાત કરી લીધો છે. વેપારીના આપઘાત બાદ તેના પત્નીએ પોલીસમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.

ઝેરી દવા પી આપઘાત કર્યો

વ્યાજખોર વારંવાર અતુલભાઇને ફોન કરીને રૂપિયાની ઉઘરાણી કરતો હતો. એક દિવસ વ્યાજખોર અતુલભાઈના ઘરે આવ્યો હતો અને હું તને ઝેર પીવાના રૂપિયા આપું છું, તું મરી જા અને ઝેર ના પી શકે તો તારી હત્યા કરીને હું જેલ ભોગવવા માટે તૈયાર છું. પરંતુ તારે રૂપિયા તો આપવા જ પડશે તેમ કહ્યું હતું. ત્યારબાદ અતુલભાઇ ખૂબ જ ગુમસૂમ રહેતા હતા અને આ વ્યાજખોરની ધમકીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *