Story by Devang Acharya (9924852225) :અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ફરી એકવાર વિવાદના ચગડોળે ચડ્યું છે. મનપસંદ જીમખાનામાં રમવા આવતા રિકિન ભાઈ નામના શખ્સને જાન મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં પોલીસની કામગીરી સામે આંગળી ઉઠી રહી છે.
અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનથી માંડ 100 મીટર દૂર આવેલી ત્રણ માળની આ ઇમારત છેલ્લાં 12થી 15 વર્ષમાં કબૂતરબાજીના નેટવર્કથી લઈને ગુજરાતના સૌથી મોટા જુગારધામ તરીકે અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. વર્ષ 2023માં ઓક્ટોબર મહિનામાં જીમખાન પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી 27 જુગારીઓની ધરપકડ કરી હતી. જેમાં જીમખાનાની આડમાં જુગારનો અડ્ડો ચલાનારા ગોવિંદ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.
મનપસંદ જીમખાના પર અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ વખત દરોડા પડ્યા છે, પરંતુ દરોડા બાદ આરોપીઓ મોટું સેટિંગ કરી ફરી જુગારધામ ધમધમતું કરી નાખે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
તાજતેરમાં મનપસંદ જીમખાનાને લઇ ફરી એક વિવાદ સામે આવ્યો છે. જીમખાનામાં રમવા આવતા રિકિન ભાઈ નામના શખ્સને જાન મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં આરોપી તરીકે કિરીટ નામના શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે એક બાજુ કોઈ સામાન્ય વ્યક્તિ આવા કોઈ ગુનામાં પકડાય તો તેને કેસમાં જામીન મળ્યા બાદ ફરીથી એરેસ્ટ કરીને 151ની કલમના અટકાયતી પગલાં ભરવામાં આવે છે. તો આ કેસમાં કિરીટ નામના શખ્સ ઉપર દરિયાપુર પોલીસ સ્ટેશનના P.I દ્વારા અટકાયતી પગલાં શા માટે ન લેવામાં આવ્યા?
ક્યાં કારણોથી અટકાયતી પગલાં નથી લીધા?
લોકમુખે એવી પણ ચર્ચા છે કે આ દરિયાપુર સ્ટેશનનો બધો ખર્ચ મનપસંદ જીમખાનાના માલિક ગોવિંદ પટેલ દ્વારા ઉપાડવામાં આવે છે. એટલે દરિયાપુર પોલીસની રહેમ નજર આ જીમખાના પર છે. તેના કારણે આરોપી સામે અટકાયતી પગલા લેવામાં આવ્યાં નથી?
પહેલા 180 જુગારીઓ ઝડપાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, 6 જૂન 2021ના રોજ પણ મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો, ત્યારે જુદા જુદા 7 મકાનોમાંથી જુગાર રમતા 180 લોકો પકડાયા હતા. ગુજરાતના ઈતિહાસમાં જુગારની આ સૌથી મોટી રેડ હતી. જે બાદ દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. તો 100 પોલીસ કર્મચારીઓ સામે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
મનપસંદ જિમખાનાનો ઇતિહાસ
મનપસંદ જિમખાનાનો ઇતિહાસ જાણવા માટે 38 વર્ષ પાછળની પરિસ્થિતિ સમજવી પડશે. જ્યારે બે લોકોએ ગુનાખોરીની દુનિયામાં શોર્ટકર્ટ અપનાવીને ખૂબ ઝડપી રીતે રૂપિયાવાળા થઈ જવાનું સપનું જોયું હતું. આ બે વ્યક્તિમાં એકનું નામ ઘનશ્યામ ઢોલિયા અને બીજાનું નામ ચંદુ હતું.
વર્ષ 1985-86ની આસપાસના સમયગાળાથી દરિયાપુરમાં ઘનશ્યામ ઢોલિયો ચકરડીનું સ્ટેન્ડ ચલાવતો હતો. એટલે નાના પાયે સટ્ટો રમાડતો હતો. આ બધું જ 2010ની સાલ સુધી ચાલતું રહ્યું. પછી ઘનશ્યાન અને એક મિત્ર ચંદુએ ભેગા મળીને તેમનો “ધંધો” વિસ્તારવા માટે પ્લાનિંગ કર્યું અને મુંબઈમાં રહેતા પપ્પુ બોરીવલી અને અન્ય એક વ્યક્તિનો સંપર્ક કર્યો.
આ શખસો જે-તે સમયે મુંબઈના મોટા મટકાકિંગ ગણતા હતા. એટલે ઘનશ્યામ અને ચંદુ પપ્પુ તેમજ બીજી એક વ્યક્તિ પાસેથી મટકાનો ધંધો કરતા શીખ્યા હતા. ટૂંક જ સમયમાં મટકાના ધંધામાં ઘનશ્યામ અને ચંદુને ફાવટ આવી ગઈ અને અમદાવાદમાં તેમના ગેરકાયદે ધંધાએ તેજી પકડી લીધી હતી.
ઘનશ્યામનું નામ એટલું મોટું થઈ ગયું કે તેની આસપાસ કેટલાક લોકો હંમેશાં રહેતા જ હતા. આ જ ટોળામાં ગોવિંદ પટેલ નામનો એક યુવાન હતો, જેને સૌકોઈ “ગામા” તરીકે ઓળખતા હતા. ગોવિંદ પટેલ સાડીનો વેપાર કરતો હતો, પરંતુ તેને નુકસાન જતાં હવે તે ઘનશ્યામ સાથે ફરવા લાગ્યો હતો. ગોવિંદ પટેલ ઉર્ફે ગામાએ ઘનશ્યામ સાથે રહીને અમદાવાદમાં ચાલતા જુગારના ધંધામાં પગપેરાસો કરી લીધો અને પછી તક જોઈને જુગાર માટે પોતાનો જ એક અલગ અડ્ડો બનાવવાનું વિચાર્યું હતું. હવે ઘનશ્યામ અને ચંદુ પાછળ છૂટી ગયા હતા.
રેવા ભુવન આ રીતે હાઇટેક જુગારનો અડ્ડો બની ગયું
દરિયાપુરમાં આવેલી આ ઈમારતનું બાંધકામ કેટલાંક વર્ષો પહેલાં થયું હતું. જેનું નામ રેવા ભુવન રાખવામાં આવ્યું હતું. દસ્તાવેજો પરથી ખબર પડે કે છે કે આ મિલકતના મૂળ માલિકનું નામ જોઈતારામ પંચાલ હતું. તેમના 19 વારસદાર હતા. દસ વર્ષ અગાઉની વાત છે. રેવા ભુવન નામના કોમ્પેક્સમાં ઉત્તરા હોટલ એન્ડ ગેસ્ટહાઉસ ચાલતું હતું. સતત વ્યસ્ત રહેતો આ વિસ્તાર ધીરે-ધીરે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બનવા લાગ્યો હતો. કેટલાકને આમાં ધંધાકીય ભવિષ્ય દેખાવા લાગ્યું હતું, તો કેટલાક લોકોને આવી પ્રવૃત્તિથી વાંધો હતો. ત્યારે પંકજ ખત્રીએ આ મિલકત ખરીદી લેવાનું વિચાર્યું હતું. આ માટે તેણે ગોવિંદ ઉર્ફે ગામાનો સંપર્ક કર્યો હતો. ગોવિંદ સાથે મિલકત ખરીદવા બાબતે વાતચીત ચાલતી હતી એ જ અરસામાં ગોવિંદના મિત્ર ભરત પટેલ ઉર્ફે બોબી સાથે પણ પંકજ ખત્રીની ઓળખાણ થઈ હતી.
રેવા ભુવન કેવી રીતે બન્યુ મનપસંદ જીમખાના
- આજની 10 વર્ષ પહેલાં 2013ની સાલમાં 55 લાખ રૂપિયામાં સોદો થયો હતો. આમ, ભરત પટેલ, ગોવિંદ પટેલ અને પંકજ ખત્રી રેવા ભુવનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 10 દુકાન, પહેલો માળ તથા બીજા માળના માલિક બની ગયા. ત્યાર બાદ ગોવિંદ પટેલે તેના બે ભાગીદાર પાસેથી આ જ બિલ્ડિંગ (રેવા ભુવન) ઓન-પેપર ભાડે રાખી લીધી અને પોતાનો “ધંધો” શરૂ કર્યો હતો, પરંતુ ફિલ્મી લાગતી આ કહાનીમાં હજુ તો ઘણા ઉતાર-ચઢાવ આવવાના બાકી હતા. જુગારધામ પર પોલીસના દરોડા ન પડે એ માટે ગોવિંદે જ મનપસંદ જિમખાના તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એટલે ઓનપેપર હવે આ જગ્યા પર કેટલીક રમતો કાયકાદીય રીતે રમાય છે એવું બતાવી શકાય.