કોટા: નવા વર્ષની શરૂઆત સાથે જ કોટામાં આત્મહત્યાનો સિલસિલો ફરી શરૂ થઈ ગયો છે. આજે વધુ એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. આ વર્ષમાં 22 દિવસમાં 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે હવે કહી શકાય કે કોચિંગ હબ કોટા હવે સુસાઈ હબ બની રહ્યું છે. આજે ગુજરાતના અમદાવાદની યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આ યુવતી કોટાના જવાહર નગરમાં રહીને NEETની તૈયારી કરી રહી હતી. આત્મહત્યાની સૂચના મળતા જ જવાહર નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ હાથ ધરી છે.
યુવતી 6 મહિના પહેલા જ કોટામાં NEETની તૈયારી કરવા માટે કોટા ગઈ હતી
કોટાના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીમાં રહેતી એક વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થીની અફસા શેખ અમદાવાદની રહેવાસી હતી અને તે 6 મહિના પહેલા જ કોટામાં NEETની તૈયારી કરવા માટે કોટા ગઈ હતી. આ વિદ્યાર્થીનીની આત્મહત્યા પાછળનું કારણ હજું અકબંધ છે. બીજી તરફ પોલીસે વિદ્યાર્થીનીની મૃતદેહને મોર્ચરીમાં રખાવ્યો છે અને પરિવારને ઘટનાની જાણ કરી દીધી છે.
22 દિવસની અંદર જ 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી
કોટામાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવતા વિદ્યાર્થીઓ પર માનસિક તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વર્ષ 2025ના જાન્યુઆરી મહિનામાં 22 દિવસની અંદર જ 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. વહીવટીતંત્ર માટે આ ચિંતાનો વિષય છે. વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ માનસિક તણાવ સામે આવ્યો છે. બીજી તરફ જે રૂમમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી તે પંખા પર હેન્ગિંગ ડિવાઈસ નહોતું લાગ્યું.
કોટામાં આત્મહત્યાનો સિલસિલો યથાવત
જો આંકડાઓ પર નજર કરીએ તો ગત વર્ષે કોચિંગ સિટીમાં 19 કોચિંગ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. તે પહેલાં વર્ષ 2023માં 29 વિદ્યાર્થીઓએ મોતને વહાલું કર્યું હતું. ત્યારબાદ હવે આ વર્ષની શરૂઆતમાં માત્ર 22 જ દિવસમાં 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. આમ કોટામાં 2 વર્ષ અને 22 દિવસમાં 53 વિદ્યાર્થીએ કરી આત્મહત્યા કરી લીધી છે.