ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 11 સપ્ટેમ્બર 2021, શનિવારના રોજ રાજીનામુ આપ્યું. રૂપાણીએ રાજીનામુ આપ્યું ત્યાર બાદ સરકારના તમામ નેતાઓએ રાજીનામુ આપી દેતા ગુજરાતની આખી સરકાર જ નવી બની. મુખ્યમંત્રીનો તાજ આવ્યો ભુપેન્દ્ર પટેલના શિરે. બીજી તરફ નવા મંત્રીમંડળને લઇ અટકળો ચાલી રહી હતી. ગુજરાતથી લઈને દિલ્હી સુધી હાઈકમાન્ડમાં શ્રેણીબદ્ધ બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. દરમિયાન ગૃહ રાજયમંત્રી તરીકે નામ સામે આવ્યું હર્ષ સંઘવીનું.
ભાજપમાંથી સૌથી નાની વયે 37 વર્ષની ઉંમરે અમિત શાહને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવાયા હતા. હર્ષ સંઘવી તેનાથી એક વર્ષ નાની ઉંમરે – 36 વર્ષે જ આ પદે પહોંચ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતું લઈ લેવાયું ત્યારે તેનો હવાલો અન્ય કોઈ સિનિયર નેતા નહીં, પરંતુ હર્ષ સંઘવીને જ સોંપવામાં આવ્યો હતો.
2021માં ગૃહમંત્રીની જવાબદારી સંભાળ હર્ષ સંઘવીનું નામ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં હતું. ત્યારે આવો જાણીએ ભાજપના સૌથી નાની વયે ગૃહખાતાના રાજ્યકક્ષાના મંત્રી બનેલા હર્ષ સંઘવી વિશે.
રમેશભાઈ સંઘવી હીરાના કામ અર્થે ડીસાથી સુરત સ્થાયી થયા અને ત્યાં જ પ્રગતિ કરી. હીરાનું કારખાનું (ગિરનાર કોર્પોરેશન) ચલાવતા રમેશભાઈ સંઘવીના ઘરે હર્ષ સંઘવીનો જન્મ તારીખ 8 જાન્યુઆરી, 1985ના રોજ થયો હતો. ચાર બહેનો વચ્ચે એક જ ભાઈ હોવાથી સૌથી લાડકવાયો રહ્યો. પહેલેથી હર્ષ રમતિયાળ હતો તેવું તેમને નજીકથી ઓળખતા લોકોનું કહેવું છે.
પરિવારમાં કોણ છે?
હર્ષ સંઘવીના પિતાનું નામ રમેશ ભુરાલાલ સંઘવી અને માતાનું નામ દેવેન્દ્રબેન રમેશ સંઘવી છે, હર્ષ સંધવીની પત્નીનું નામ પ્રાચી સંઘવી આ બંન્નેને 2 બાળકો પણ છે. હર્ષ સંધવી સોશિયલ મીડિયા પર પરિવાર સાથેના ફોટો પણ અનેક વખત શેર કરતા હોય છે.
ભણતરને લઇને સવાલ ઊભો થયો
આઠમા ધોરણથી શાળામાંથી ઊઠી ગયેલા યુવા નેતા પ્રધાન બની ગયા તે માહિતી સમાચારપત્રોની હેડલાઇનમાં ચમકી હતી. બધા જ પ્રધાનો નવા લેવાયા એટલે ઓછું ભણેલા, ઓછા અનુભવી તેમાં હોય તે સ્વાભાવિક છે, પરંતુ થોડા જ મહિનામાં સ્પષ્ટ થઈ ગયું હતું કે સૌથી જુનિયર, સૌથી ઓછું ભણેલા, સૌથી ઓછા અનુભવી હર્ષ સંઘવી સરકારમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે.
અભ્યાસ અધૂરો કેમ છોડ્યો?
હર્ષ સંઘવી ગૃહ રાજયમંત્રી બન્યા બાદ તેમના ભણતર અંગે વિવાદ ઉભો થયો. હર્ષ સંઘવીએ પોતાના એફિડેવિટમાં 8 ધોરણ પાસ હોવાનું દર્શાવ્યું છે, જેના કારણે આ વિવાદ ઉભો થયો. સુખી સંપન્ન પરિવારમાં જન્મેલા અને બંને મોટી બહેનો ઉચ્ચ શિક્ષિત હોવા છતાં હર્ષ સંઘવીએ કેમ 8 ધોરણ બાદ ભણતર છોડ્યું તે આજે પણ એક સવાલ છે. તેમના પરિવારના સભ્યોની વાત માનીએ તો તે સમયે તેમના માતા બીમાર હતા અને મુંબઈમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેના કારણે પિતા પણ મુંબઈ રહેતા હતા અને કિશોર વયના હર્ષે કારખાનામાં જવાનું શરૂ કર્યું. ત્યારબાદ પિતાનો સમગ્ર વ્યવસાય સાંભળી લીધો અને સફળતાપૂર્વક ચલાવ્યો. જેના કારણે અભ્યાસ છૂટી ગયો જો કે હવે તેમણે ફરી આ માટે તૈયારી શરૂ કરી છે.
રાજકારણમાં કેવી રીતે પ્રવેશ થયો?
આઠમા ધોરણથી ભણવાનું મૂકી દીધા બાદ કારખાનું સંભાળવા સાથે જાહેરજીવનમાં તેમને રસ પડવા લાગ્યો હતો. જ્યાં તેમનો પરિચય સંઘના સ્વયંસેવક જયદીપભાઈ ત્રિવેદી સાથે થયો. જયદીપભાઈ તે વખતે સુરતમાં સંઘના પ્રચાર વિભાગ સહિત અલગ અલગ જવાબદારી નિભાવતા હતા. હર્ષ સંઘવીના પિતાએ પણ જયદીપભાઈને હર્ષ સંઘવીને યોગ્ય જગ્યાએ કામ કરાવવાનો આગ્રહ કર્યો હતો. સૌથી પહેલા 2003-04માં ડાંગમાં આયોજિત શબરી કુંભમાં મીડિયા સંકલનની જવાબદારી સોંપવામાં આવી હતી. જે સફળતાપૂર્વક નિભાવી. ત્યારબાદ ગૌ ગંગા યાત્રામાં પણ સુરતના મીડિયા કન્વીનર તરીકે કામ કર્યું અને સફળ રહ્યા.
મેઘા પાટકર વિરોધી પ્રદર્શનમાં ઓળખ મળી
ગુજરાતમાં નર્મદા આંદોલનમાં મેઘા પાટકર સામે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન હતું, જેમાં હર્ષ સંઘવીના પિતાના કારખાનેથી રેલીની શરૂઆત કરી અને સુરત રેલવે સ્ટેશન પાસે સૂત્રોચ્ચાર અને મેઘા પાટકરના પૂતળાનું દહન કર્યું. આ સફળ કાર્યક્રમથી સુરતમાં હર્ષ સંઘવીની રાજકીય શરૂઆત થઈ.
ભાજપ યુવા મોરચામાં પ્રવેશ
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ યુવા મોરચાને મજબૂત કરી યુવાનોને ભાજપ સાથે જોડવા અભિયાન હાથ ધર્યું. તે દરમિયાન હર્ષ સંઘવીએ ભારત સુરક્ષા યાત્રામાં સામાન્ય કાર્યકર તરીકે કામ કર્યું હતું. પ્રદીપસિંહ વાઘેલા સાથે યાત્રાની જવાબદારી સફળતા પૂર્વક નિભાવી હતી. જે બાદ વર્ષ 2010માં પ્રદીપસિંહ વાઘેલા યુવા મોરચાના પ્રમુખ બન્યા અને તેમની ટીમમાં હર્ષ સંઘવીને પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી આપી. યુવા મોરચાના પ્રભારી સીઆર પાટીલ સાથે પણ સતત સંપર્કમાં રહીને કામ કર્યું. ત્યારબાદ તેમણે રાજકીય જીવનમાં સતત સફળતા મેળવી અને પ્રગતિ કરી.
શ્રીનગરમાં પોલીસનો માર ખાધો
2010-11મા જ શ્રીનગરમાં ભાજપ યુવા મોરચાની તિરંગા યાત્રામાં પ્રદીપસિંહ વાઘેલા સાથે લાલ ચોકમાં તિરંગો ફરકાવવા દરમિયાન પોલીસનો માર પણ ખાધો અને રાજકીય ઓળખ પણ મેળવી. ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંપર્ક સતત વધતો રહ્યો અને મહત્વની જવાબદારીઓ સુપેરે પાર પાડી.
20212મા પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડી
વર્ષ 2012માં 27 વર્ષની વયે પહેલીવાર મજુરા વિધાનસભા ચૂંટણી લડી અને રેકોર્ડબ્રેક માર્જીનથી ધારાસભ્ય પણ બન્યા. તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર્ષે સંઘવીને વિધાનસભાની ટિકિટ આપી હતી. ધારાસભ્ય બન્યા બાદ સતત પ્રજા વચ્ચે કામ કર્યું અને બીજીવાર ટીકીટ મેળવીને ધારાસભ્ય બન્યા. પ્રધાનમંત્રી મોદીના અનેક વિદેશ પ્રવાસમાં પણ તેમણે પડદા પાછળ મહત્વની ભૂમિકા ભજવી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજયમાં બીજા ક્રમે કુલ 1,33,335 મતો એટલે કે 81.97% મતો મેળવીને તેમણે પ્રચંડ જીત મેળવી હતી.
પાટીલ સાથે કામ કરવાનું ફળ્યું
ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનવાના બદલે તેઓ ગુજરાતમાં જ સી. આર. પાટીલ સાથે કામગીરી કરતા રહ્યા એ તેમને વધારે ફળી. પ્રદેશપ્રમુખ તરીકે રૂપાણી સરકાર સાથે સંકલનનો પ્રશ્ન ઊભો થયો ત્યારે તે સરકાર હઠાવી ભૂપેન્દ્ર પટેલની સરકાર બની. તેમાં નાની વયે પ્રધાન બનવા સાથે હર્ષ સંઘવીને નવ નવ ખાતાં એક સાથે મળી ગયાં. પોલીસ સાથે સંકળાયેલા નાના ખાતા ઉપરાંત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, આપત્તિ વ્યવસ્થાપન વગેરે મંત્રાલયો પણ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે મળ્યાં હતાં.
પીએમ મોદીએ સિગરેટની લત છોડાવી હતી
હર્ષ સંઘવી ગૃહરાજ્યમંત્રી બન્યા બાદ ડ્રગ્સ રેકેટ સામે સફળ અભિયાન ચલાવ્યું જેની પાછળ તેમની પ્રેરણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા. હર્ષ સંઘવીને સિગારેટની લત હતી જે નરેન્દ્ર મોદીએ છોડાવી હતી અને તેના કારણે ગૃહરાજ્યમંત્રી બન્યા બાદ સૌથી પહેલા તેમણે યુવાનોને ડ્રગ્સથી બચાવવા અભિયાન ઉપાડ્યું અને સફળ રહ્યું.