અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2024માં 7000 કરોડની GST ચોરીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ વર્ષ 2024માં 7000 કરોડની GST ચોરીનાં કૌભાંડ ઝડપીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પૈકી પાન મસાલા અને ગુટકા બનાવતી અમદાવાદની વિષ્ણુ એરોમા, કેપિટલ ટ્રેડિંગ, પ્રાઇમ માર્કેટિંગ સહિતની પાંચથી વધારે કંપનીઓને 787 કરોડ રૂપિયા સર્વિસ ટેક્સ ભરવા માટેની ડિમાન્ડ નોટિસ અપાતાં કંપનીના માલિકો ધરપકડથી બચવા માટે ફરાર થઈ ગયા છે.
અધિકારીઓએ ગુજરાતમાં ધોંસ વધારી
ગુજરાતમાં સર્વિસ ટેક્સની ચોરીનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયું હોવાના કારણે ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ગુજરાતમાં ધોંસ વધારી છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, કચ્છ, જામનગર, ગોંડલમાં સ્ક્રેપના વેપારીઓ, બેઝ ઓઇલના આયાતકારો તેમજ ખરીદ વેચાણ કર્યા વગર માત્ર ખોટી રીતે ઈનપુટ ક્રેડિટ મેળવીને GSTની ચોરી કરનારાઓની સામે કડક કાર્યવાહી કરીને અંદાજે 7000 કરોડનું GST ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
DGGIની અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા કરાયેલા મોટા કેસોમાં વટવામાં ચેતન મેટલ વર્કસના માલિક ચાવડાની 20 કરોડની આઈટીસી લેવા બદલ ધરપકડ કરાઈ હતી જ્યારે ઉસ્માનપુરા વિસ્તારમાં રહેતા રિતેશ શાહની 1000 કરોડના બોગસ બિલિંગ અને 108 કરોડની ખોટી રીતે આઈપીસી મેળવી લેવાના ગુનામાં ધરપકડ કરાઈ છે.
અમદાવાદ અને રાજકોટમાં સ્ક્રેપના વેપારીઓને ત્યાં દરોડા
ગોંડલમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના ભાઈની આશાપુરા એન્ટરપ્રાઇસમાં પણ દરોડાની કાર્યવાહી દરમિયાન બેઝ ઓઇલની આયાતમાં મોટાપાય ગેરરીતિઓ બહાર આવતા કંપનીના હિસાબો સંભાળતા શખ્સની ધરપકડ કરાઈ હતી. અમદાવાદ અને રાજકોટમાં સ્ક્રેપના વેપારીઓને ત્યાં દરોડા પાડીને 500 કરોડથી વધારેની GST ચોરી બહાર આવી હતી. DGGIની ટીમે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરતમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝ સહિત અનેક સહભાગી કંપનીઓમાં દરોડા પાડીને 2200 કરોડનું GST ચોરી અને ખોટી રીતે આઈટીસી મેળવવાનું કૌભાંડ પકડયું હતું.