અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભોગ બનનારા 15 લોકોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. એમાં દાદ માંગવામાં આવી છે કે, ભોગ બનનાર 15 અરજદારોની અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવે. અત્યાર સુધીમાં માત્ર એક જ ફરિયાદ આ મામલે નોંધવામાં આવી છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કૌભાંડમાં દર્દીઓને જરૂર ન હોવા છતાં ખોટી રીતે એન્જીઓપ્લાસ્ટી અને એનજીઓગ્રાફી સહિતની સારવાર કરવામાં આવી હતી. તેમાંના કેટલાક પીડિતો દ્વારા હવે ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે તેમની શારીરિક તકલીફો સહિતના મુદ્દે પોલીસ દ્વારા અલગથી એક વધુ ફરિયાદ નોંધવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ સાથે-સાથે પીડિતો દ્વારા તેઓને યોગ્ય વળતર અને પૂરતું વળતર ચૂકવાય તે માટેની પણ દાદ માગવામાં આવી હતી.
ખ્યાતિ કાંડના પીડિતો તરફથી કરાયેલી અરજીમાં એ મતલબના મુદ્દા ઉઠાવાયા છે કે, કડીના બોરીસણા ગામથી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કેમ્પમાંથી હોસ્પિટલમાં લાવ્યા બાદ જે 17 લોકોને વધુ સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બે દર્દીના મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે બાકીના 12માંથી પાંચ જણાની એનજીઓપ્લાસ્ટી કરાઈ હતી અને તમામની એનજીઓગ્રાફી કરવામાં આવી હતી. આ સારવાર લીધા બાદ પણ તેમના શરીરમાં નાની મોટી તકલીફો ઉભી રહે છે અને માનસિક રીતે પણ તેઓ આઘાતમાં જીવી રહ્યા છે. આ સંજોગોમાં પોલીસ દ્વારા તેમના કેસની એક અલગથી ફરિયાદ નોંધવામાં આવે.
વધુમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના જે કોઈ પીડિતો છે તેમને યોગ્ય અને પૂરતું વળતર ચૂકવવામાં આવે ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડને લઈ થયેલી પોલીસ ફરિયાદમાં પણ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ચેરમેનથી લઈ ડોક્ટરો સુધીના તમામ સંબંધિત આરોપીઓ સરકારી યોજનાનો આર્થિક લાભ મેળવવાના ઇરાદે દર્દીઓને તેમના આરોગ્યની સાચી હકીકત જણાવ્યા વિના ઊલટાનું તેઓને ડરાવી ધમકાવી ફરજિયાત પણે એન્જોગ્રાફી એનજીઓપ્લાસ્ટી સહિત ઓપરેશનો કરાવવા મજબૂર કરતા હતા. આમ દર્દીઓના જીવન સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહેલા આરોપીઓ દ્વારા મોટા પાયે લાખો કરોડો રૂપિયાની તગડી કમાણી કરવામાં આવતી હતી.