અમદાવાદ: અમદાવાદમાંથી ફરી એક વખત તોડકાંડની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદમાં સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલે ક્રાઈમ બ્રાન્ચના નામે રૂપિયા 50 લાખ પડાવી લીધા છે. અમદાવાદના આંબલી વિસ્તારમાં રહેતા એક વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અમદાવાદના જ એક સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ પોતાના ત્રણ સાગરીતો સાથે મળીને 50 લાખ રૂપિયા પડાવી લેતા ચકચાર મચી ગયો છે. વેપારી દ્વારા આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ નોંધાવી છે.
CCTVના આધારે ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, CCTVના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પોલીસ કર્મી જાણે કે ફરજ પર જ હાજર હોય એ રીતે વેપારીના ઘરમાં જઈને તેને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી નીકળ્યો હતો અને રસ્તામાં કારમાં જ ધમકાવીને 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
50 લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાવી
આંબલી પાસે આવેલા સેન્ટોસા પાર્કમાં રહેતા મિહિર તરીકે ક્રાઈમ બ્રાન્ચમાં આકાશ પટેલ અને બે અન્ય લોકો જેણે પોલીસ તરીકેની ઓળખ આપી હતી તેની સામે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 50 લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાવી હતી. મિહિર પોતાના પરિવાર સાથે રહે છે અને એસ.જી હાઇવે પર આવેલી શિવાલિક શિલ્પ કોમ્પ્લેક્સ માં એમ પી ફાઇનાન્સિયલ નામની કંપની ચલાવે છે.
જેલમાં મોકલવાનો ડર બતાવી 50 લાખ ખંખેર્યા
આરોપી આકાશ પટેલે પોલીસ તરીકેની ઓળખ આપીને વેપારી મિહીર પરિખ સામે ક્રાઇમ બ્રાન્ચમાં કેસ થયો છે તેમ જણાવ્યું હતું. આ કેસમાં 10 થી 15 વર્ષ જેલમાં રહેવું પડશે તેવું કહીને ત્રણ શખ્સોએ કેસના પતાવટની વાત કરી હતી. જેમાં આરોપીઓએ પહેલા તો 5 કરોડ રૂપિયાની માંગ કરી હતી પરંતુ બાદમાં 50 લાખ રૂપિયામાં પતાવટ કરી હતી.
સાહેબ પાંચ કરોડથી નીચે નહીં માને
આકાશ પટેલે ગાડીમાં બેસાડીને કહ્યું હતું કે સાહેબ પાંચ કરોડથી નીચે નહીં માને તેથી જો તમે મને 50 લાખ રૂપિયા આપો તો હું તેમને સમજાવી દઈશ. મિહિરે અલગ અલગ રીતે પચાસ લાખ રૂપિયા આપી દીધા હતા અને બાદમાં ખબર પડી કે તે પોલીસવાળો તો સસ્પેન્ડ થયેલો છે.