અમદાવાદ: સ્કીમ બુકિંગના નામે લોકો સાથે ઠગાઈ કરનાર બિલ્ડરની ધરપકડ

અમદાવાદ: શહેરોમાં વસતો નોકરીયાત મધ્યમવર્ગ પોતાનું ઘરનું ઘર વસાવવા માટેના સપના જોતો હોય છે. પરંતુ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં બિલ્ડરે સ્કીમ બુકિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરી છે. ઘુમામાં 22 માળની રેસીડેન્સીયલ અને કોમર્શિયલ સ્કીમની જાહેરાત કરીને બુકિંગના નામે કરોડો રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કરવાના મામલે બોપલ પોલીસે બિલ્ડર જયદીપ કોટકની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે રેરાની પરવાનગી વિના જ બોપલમાં સ્કીમની જાહેરાત કરીને અનેક લોકો પાસેથી ફ્લેટ અને શોપનું વેચાણ કરીને એડવાન્સમાં પૈસા લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ કેસમાં છેતરપિંડીનો આંક વધે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પ્રાથમિક તપાસમાં સૌથી ચોકાંવનારી વિગતો સામે આવી છે કે સાઉથ બોપલની જમીન ખરીદી કર્યા વિના જ સ્કીમની જાહેરાત કરી દીધી હતી.

પૈસા લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા

ઘુમામાં બાર મહિના પહેલા બોપલની સૌથી પહેલી 22 માળની રેસીડેન્સીયલ અને કોમર્શિયલ બિલ્ડીંગની જાહેરાત પ્રિવિલોન ગ્રુપના બિલ્ડર જયદીપ કોટક અને તેના પાર્ટનર હિરેન કારિંયા દ્વારા કરવામાં આવી હતી. બિલ્ડર હિરેન અને જયદીપ કોટક દ્વારા આ સ્કીમનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને રેરામાં એપ્લિકેશન કરી હોવાથી મંજૂરી બાદ બાંધકામ શરૂ થશે તેવું કહ્યું હતું. આ સ્કીમમાં વિવિધ એમેનીટીએસ અને ફ્રી બુકિંગમાં સ્ક્વેર ફૂટ દીઠ 1000 રૂપિયાનું બેનિફિટ આપતા અનેક લોકોએ 3 કરોડ રૂપિયા જેટલી રકમ એડવાન્સ બુકિંગના નામે આપી હતી. પરંતુ એપ્રિલ મહિના સુધી બાંધકામ શરૂ ન કરતા રોકાણકારોએ પૂછપરછ કરી ત્યારે બિલ્ડરે જણાવ્યું કે રેરામાં પ્લાન પાસ કરાવવા માટે એપ્લિકેશન આપી છે જે મંજૂર થતા બાંધકામ શરૂ કરાશે. રોકાણકારોને શંકા જતા નાણા પરત માંગ્યા હતા પરંતુ નાણા પરત ન આપવાનો ઈનકાર કરી દીધો અને બીજા બુકિંગ ચાલુ રાખ્યા હતા. ત્યારબાદ આ જમીન પરથી સ્કીમના બોર્ડ ઉતારીને બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બાબતે બોપલ પોલીસે ગુનો નોંધીને પોલીસ ઇન્સ્પેક્ટર બેટી ગોહીલે ટેકનીકલ સર્વિલન્સના આધારે મંગળવારે જયદીપ કોટકની ધરપકડ કરી હતી.

પ્રોપર્ટી બુક કરાવતા પહેલા રેરામાં સમગ્ર બાબતે ચકાસણી કરવી જરૂરી

આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા ઓમ પ્રકાશ જાતે જણાવ્યું કે, ગ્રુપના બિલ્ડરે ખેડૂતો પાસેથી જમીનની ખરીદી કરી જ નહોતી અને રેરામાં એપ્લાય કર્યાનું કહીને લોકો સાથે છેતરપિંડી આચરી હતી. જો રોકાણકારોએ પ્રોપર્ટી બુક કરાવતા પહેલા રેરામાં સમગ્ર બાબતે ચકાસણી કરી હોત તો તે છેતરપિંડીનો ભોગ ન બન્યા હોત જેથી કોઈપણ મિલકતો ખરીદતા પહેલા નંબર હોવા છતાંય ચકાસણી કરવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!