નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તાજેતરની આતંકવાદી ઘટનાઓના કારણે તણાવની સ્થિતિ છે. ત્યારે હવે પાકિસ્તાને ફરી એક વખત અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ હુમલો મંગળવારે મોડી રાત્રે કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં અનેક મહિલાઓ અને બાળકો સામેલ છે.
હુમલા બાદ તણાવ વધવાની આશંકા
પાકિસ્તાને આ હવાઈ હુમલો અફઘાનિસ્તાનમાં છુપાયેલા પાકિસ્તાની તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓને નિશાન બનાવવા માટે કર્યો છે. આ હુમલામાં લામન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલામાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થઈ ગયા છે. આ હવાઈ હુમલા બાદ ભારે નુકસાન થયું છે અને આ વિસ્તારમાં તણાવ વધુ વધવાની આશંકા દેખાઈ રહી છે.
હુમલામાં પાકિસ્તાની જેટનો ઉપયોગ
સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાને મંગળવારે દુર્લભ હવાઈ હુમલામાં પાડોસી દેશ અફઘાનિસ્તાનની અંદર પાકિસ્તાની તાલિબાનોના અનેક શંકાસ્પદ ઠેકાણાને ટાર્ગેટ કર્યા હતા. તેમના એક ટ્રેનિંગ સેન્ટરને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું અને કેટલાક બળવાખોરોને ઠાર કરી દીધા છે. બોમ્બમારો કરવા માટે પાકિસ્તાની જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, આ હુમલાઓ પાકિસ્તાનની સરહદે આવેલા પક્તિકા પ્રાંતના એક પહાડી વિસ્તારમાં કરવામાં આવ્યા હતા.
માર્ચ પછી પાકિસ્તાની તાલિબાનના કથિત ઠેકાણાઓ પર આ પ્રકારનો બીજો હુમલો છે. અગાઉ માર્ચમાં પાકિસ્તાને કબૂલ્યું હતું કે તેણે અફઘાનિસ્તાનની અંદરના સરહદી વિસ્તારોમાં તાલિબાનની ઠેકાણા પર હુમલો કર્યો હતો.
અફઘાનિસ્તાનની પ્રતિક્રિયા
કાબુલમાં અફઘાન સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનના હવાઈ હુમલાની નિંદા કરતા કહ્યું કે, બોમ્બ વિસ્ફોટમાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મોટાભાગના પીડિતો વઝીરિસ્તાન ક્ષેત્રના શરણાર્થીઓ હતા. મંત્રાલયે કહ્યું કે, ‘અફઘાનિસ્તાનની ઈસ્લામિક અમીરાત આને તમામ આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો અને સ્પષ્ટ આક્રમકતા વિરુદ્ધ ક્રૂર કૃત્ય માને છે અને તેની સખત નિંદા કરે છે.’