અમદાવાદ: આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ ટાઈટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ આગ 9, 10 અને 11મા માળે લાગી છે. ભીષણ આગના પરિણામે આખી બિલ્ડિંગમાં ભારે નુકસાન થયું છે.
મેજર કોલ જાહેર
એક કલાકથી આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આગ પર કાબુ ન મેળવાતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. 28 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.
શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
ફાયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા કલાકો સુધી પ્રયાસ કર્યા બાદ તેમને આગ બુઝાવવામાં સફળતા મળી છે. આ આગ એટલી વિકરાળ હતી કે, 9, 10 અને 11માં માળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની માહિતી મળી રહી છે.