સુરેન્દ્રનગરમાં ખાનગી કંપનીએ બોગસ ડોક્યુમેન્ટ પર લોન આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી

સુરેન્દ્રનગરમાં એક ખાનગી ફાયનાન્સ કંપની દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી હોમલોન આપી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર લોકોએ મુખ્યમંત્રી સહિત બી-ડિવીઝન પોલીસ મથકે 20થી વધુ લોકો હાજર રહી લેખિત રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, સાઉથની એક ફિલ્મ ધ રિટર્ન ઓફ અભિમન્યુમાં પણ આ જ રીતે સ્કેમર્સ દ્વારા લોકોને બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન અપાવામાં આવતી હતી અને પછી એ પૈસા જેવા જ બેન્ક દ્વારા રિલીઝ થાય એટલે તેને ઉપાડી લેવામાં આવતા હતા. ત્યારબાદ પીડિત લોકો ફરિયાદ કરવાની સ્થિતિમાં પણ નહોતા રહેતા. કારણ કે તેઓ પોતે જેલભેગા થઈ જાય તેવી સ્થિતિમાં મૂકાઈ જતા હતા.

બોગસ ડોક્યુમેન્ટ દ્વારા હોમલોનના બહાને છેતરપિંડી આચરી

શહેરના મેઈન રોડ પર મેગા મોલમાં આવેલી નોરધન આર્ક કેપીટલ લિમિટેડ નામની પ્રાઈવેટ ફાયનાન્સ કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારોને નિશાન બનાવી મકાનો ઉપર બોગસ ડોક્યુમેન્ટ દ્વારા હોમલોનના બહાને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. અરજદારોએ જણાવ્યું કે, પતરાવાળા મકાન પર વધુ રકમની લોન કરવા ધાબાવાળા મકાનના ફોટા પાડી ફાઈલોમાં જોડવામાં આવ્યા હતા. લોનની અરજી કર્યા બાદ અરજદારોના ખાતામાં જમા થયેલા રૂપિયા પણ અન્ય લોકોએ ઉપાડી લઈ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

ખાનગી ફાયનાન્સ કંપનીએ 150થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી

આ સમગ્ર કૌભાંડ બહાર આવતા ભોગ બનેલા અરજદારોએ ફાયનાન્સ કંપનીની ઓફિસે સંપર્ક કર્યો તો ત્યાનાં જવાબદાર અધિકારીઓ ફરાર થઈ જતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. આથી રોષે ભરાયેલ 20થી વધુ અરજદારોએ આ સમગ્ર છેતરપિંડી કૌભાંડ મામલે બી-ડિવીઝન પોલીસ મથક સહિત મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. ખાનગી ફાયનાન્સ કંપનીએ 150થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી છે અને જો તપાસ હાથ ધરવામાં આવે તો આ આંકડો હજુ વધી શકે છે. જ્યારે સ્થાનીક બી-ડિવીઝન પીએસઆઈના જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર અરજદારોના હાલ નિવેદન લેવામાં આવ્યા છે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!