અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે 20 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો

અમદાવાદ: થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ થઈ ગયો છે અને ડ્રગ્સના સપ્લાયર પણ વધી રહ્યા છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને એજન્સીઓ દ્વારા ગુનેગારોને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઈસનપુર બ્રિજ પાસેથી એક શખ્સને 20 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે.

ઈસનપુરથી આરોપી ઝડપાયો

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, પ્રેમ નારાયણ ઉર્ફે નાનુરમ મીણા રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લઈને ઈસનપુર ખાતે વેચવા આવવાનો છે. બાતમીના આધારે એસઓજી ની ટીમ વોચમાં હતી. ત્યારે પ્રેમ નારાયણ મીણા ચાલતો ચાલતો આવી રહ્યો હતો. આ દરમિયાન એસઓજીએ તરત જ તેને ઝડપી પાડ્યો હતો.

20 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ

આ યુવકની તપાસ કરતા તેની પાસેથી પ્લાસ્ટિકની કોથળીમાં બદામી કલરનો પાવડર મળી આવ્યો હતો. જ્યારે બીજી એક કોથળીમાં લાલ મરચાનો પાવડર મળી આવ્યો હતો. એસઓજીએ પ્રેમ નારાયણની બદામી કલરના પાવડર અંગે પૂછપરછ કરતા તેણે તે એમડી ડ્રગ્સ હોવાની કબૂલાત કરી હતી. એસઓજીએ આરોપીની 20 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની આંખમાં મરચાનો પાઉડર નાખી ભાગી જવાનો હતો પ્લાન

આ આરોપી પાસેથી 50 ગ્રામ મરચાનો પાવડર મળી આવ્યો હતો, જે અંગે એસઓજીએ પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે જ્યારે પોલીસ મારી ધરપકડ કરે તો તેમની આંખમાં મરચાની ભૂકી નાખીને ભાગી જવાનો પ્લાન હતો. પરંતુ એસઓજીની ટીમ વધુ હોવાથી પ્રેમ નારાયણ આંખમાં મરચાની ભૂકી નાખી ન શક્યો અને તે પોલીસના હાથે ઝડપાઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!