જવાહરલાલ નેહરુથી લઈને રાહુલ ગાંધી સુધી….PM મોદીએ સંસદમાં ગણાવ્યા ‘ગાંધી પરિવાર’ના કારનામા

નવી દિલ્હી: દેશમાં બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચર્ચા થઈ રહી છે. બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં અંદાજિત 1 કલાક અને 50 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીએ જવાહરલાલ નેહરુથી લઈને ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીથી લઈને રાહુલ ગાંધી સુધીની દરેકના કારનામા ગણાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસના એક પરિવારે બંધારણને ઠેસ પહોંચાડવામાં કોઈ કસર નથી છોડી. આ પરિવારની કુવિચાર-કુનીતિની પરંપરા સતત ચાલી આવી છે. દર વખતે આ પરિવારે બંધારણને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

જવાહરલાલ નેહરુએ બંધારણ બદલવાની શરૂઆત કરી હતી

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, 1952 પહેલા રાજ્યસભાની રચના પણ નહોતી થઈ. રાજ્યોમાં ચૂંટાયેલી સરકાર નહોતી, જાહેર વ્યવસ્થા નહોતી. તે દરમિયાન તત્કાલિન વડાપ્રધાન પંડિત નેહરુએ મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે, જો બંધારણ અમારા માર્ગમાં આવે છે તો કોઈપણ સંજોગોમાં બંધારણ બદલવું જોઈએ. આ પાપ 1951માં કરવામાં આવ્યું હતું પરંતુ દેશ ચૂપ નહોતો. તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમને ચેતવણી આપી હતી કે આ ખોટું થઈ રહ્યું છે, પરંતુ પંડિતજી તો પોતાનું જ બંધારણ ચાલતું હતું અને તેથી તેમણે સલાહ ન માની. કોંગ્રેસે 6 દાયકામાં 75 વખત બંધારણ બદલ્યું. દેશના પ્રથમ વડાપ્રધાને જે બીજ વાવ્યા હતા તેને ખાતર-પાણી આપવાનું કામ ઈન્દિરા ગાંધીએ કર્યું જ્યારે તેમણે ઈમરજન્સી લગાવીને દેશને અંધકારમાં ધકેલી દીધો. નેહરુજીથી માંડીને રાજીવ ગાંધી સુધીના કોંગ્રેસના વડાપ્રધાનોએ અનામતનો ઘોર વિરોધ કર્યો છે. નેહરુએ ખુદ મુખ્યમંત્રીઓને અનામતના વિરુદ્ધમાં લાંબી-લાંબી ચિઠ્ઠીઓ લખી છે.

ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે દેશ બંધારણના 25 વર્ષ પૂરા કરી રહ્યો હતો, ત્યારે આપણા બંધારણને કચડી નાખવામાં આવ્યું, ઈમરજન્સી લાદવામાં આવી. બંધારણીય વ્યવસ્થાઓ સમાપ્ત કરી દેવામાં આવી. દેશને જેલ ખાનું બનાવી દેવામાં આવ્યું. નાગરિકોના અધિકારો છીનવી લીધા. કોંગ્રેસના કપાળ પરનું આ પાપ છે, જે ક્યારેય નહીં ધોવાશે. 1971માં સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય આવ્યો હતો, બંધારણમાં ફેરફાર કરીને તે નિર્ણયને પલટી નાખવામાં આવ્યો હતો. 1971માં બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. તેણે આપણા દેશની અદાલતની પાંખો કાપી નાખી હતી.

રાજીવ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો નિર્ણય પલટી નાખ્યો

પીએમએ આગળ કહ્યું કે, જે પરંપરા નેહરુજીએ શરૂ કરી હતી, તેને ઈન્દિરાજીએ આગળ વધારી અને પછી તે પરંપરા અહીં જ અટકી નથી. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે બંધારણને વધુ એક ઝટકો આપ્યો હતો. ‘બધાને સમાનતા બધાને ન્યાય’ની આ ભાવનાને ઠેસ પહોંચાડી હતી. સુપ્રીમ કોર્ટે શાહ બાનોનો ચુકાદો આપ્યો હતો. પરંતુ તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધીએ સુપ્રીમ કોર્ટની ભાવનાઓને નકારી કાઢી હતી. તેમણે વોટ બેંક માટે બંધારણની ભાવનાનું બલિ ચઢાવી દીધી અને કટ્ટરપંથીઓ સામે શીશ ઝૂકાવી દીધું.

સોનિયા ગાંધી સરકારની ઉપર

પીએમ મોદીએ સોનિયા ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે મનમોહન સિંહની સરકાર સત્તામાં આવી ત્યારે દેશના વડાપ્રધાનને નિર્દેશ આપવા માટે તેમની ઉપર એક નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી. તે મનમોહન સિંહને જણાવતી હતી કે સરકાર કેવી રીતે ચલાવવી જોઈએ. કોંગ્રેસના એક પરિવારે બંધારણને ઠેસ પહોંચાડવામાં કોઈ કસર નથી છોડી. હું એટલા માટે પણ આ પરિવારની ચર્ચા કરું છું કારણ કે મારી 75 વર્ષની યાત્રામાં એક જ પરિવારે 55 વર્ષ રાજ કર્યું છે, તેથી શું-શું થયું છે તે જાણવાનો દેશને અધિકાર છે.

રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ

વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે, નેહરુજીએ બંધારણ સાથે ખિલવાડ શરૂ કર્યો, ઈન્દિરાજીએ તેને આગળ વધાર્યું, રાજીવજીએ તેમાં ખાતર-પાણી આપ્યું અને આગામી પેઢી પણ તે પરંપરાને આગળ ધપાવી રહી છે. મારા પહેલા એક પેઢીએ વડાપ્રધાન માટે એક પદ બનાવવામાં આવ્યું હતું જેમણે શપથ પણ નહોતા લીધા. તેની આગામી પેઢીએ કેબિનેટના નિર્ણયોને પત્રકારોની સામે ફાડી નાખ્યા. એક અહંકારી વ્યક્તિ કેબિનેટના નિર્ણયને ફાડી નાખે છે અને કેબિનેટ તેના નિર્ણયને બદલી નાખે છે, આ કેવી વ્યવસ્થા છે? હું જે કંઈ પણ કહી હું બંધારણની જ વાત કરું છું. વાસ્તવમાં રાહુલ ગાંધીએ મનમોહન કેબિનેટની એક નોટ ફાડી નાખી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!