આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કારણ કે ચૈતર વસાવા સામે ત્રણ દિવસમાં બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારનાં મોતની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા, જેમાં તેમણે પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાઈ છે.
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોકસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં હતાં. આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માગ કરી હતી.
આ મામલે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરી હતી. આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય એમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવ્યું છે. ત્યારે આ મામલે GIDC પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયાના રાજપારડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે ચૈતર વસાવા પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતાં તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થશે એ વાત ચોક્કસ છે.
આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ગત તા. 3 ડિસેમ્બર 2024ના રોજ બ્લાસ્ટ થયો હતો. એ ઘટના બાદ ત્યાં કામ કરતા કામદારના પરિવારનો સાંજે 4 વાગ્યે મારા પર ફોન આવ્યો હતો, જેથી અમે 4.30 વાગ્યાના અરસામાં અમે ત્યાં પહોંચ્યા હતા. ત્યારે ત્યાંના મેનેજમેન્ટ, ત્યાં ઉપસ્થિત પ્રાંત અધિકારી, સેફ્ટી અધિકારી અને પોલીસ અધિકારીઓને અમે જણાવ્યું હતું કે આ બ્લાસ્ટની ઘટનામાં કોનાં મૃત્યુ થયાં છે?, કોને ઈજાઓ થઈ છે?, એની જાણકારી તેમના પરિવારને આપવામાં આવે.
ત્યાર બાદ ચાર લોકોનાં મૃત્યું થયાં હોવાની નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજરે અમને આપી હતી. એ પરિવારોને અમે બોલાવ્યા હતા અને તેમની હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માગ કરી હતી. વળતરની જાહેરાત થયા બાદ જ અમે મૃતદેહ સ્વીકારીશું એવી અમે માગ કરી હતી. ત્યારે કંપનીએ પણ કેમના મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વાત કરીને તેમને વળતરની જાહેરાત કરી હતી. જેથી અમે મૃતદેહનો પી.એમ. કરાવ્યા ને બાદમાં અમે તેમને અગ્નિસંસ્કાર માટે મોકલાવ્યા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ ત્યાનાં સ્થાનિક નેતાઓને થતાં તેમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પોલીસ સબ- ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળિયા પોતે અરજદાર બની 7 દિવસ બાદ ગત 10 ડિસેમ્બરે મારા પર ખોટી FIR કરી છે. ત્યારે અમે પોલીસ અને ભરૂચના SPને પણ કહીશું કે અમે 35 જેટલા વીડિયો જાહેર કર્યા છે, જેનાથી તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે. એના કરાણે જ અમારો અવાજ દબાવવા માટે તેમણે અમારી સામે આવી ખોટી ફરિયાદો કરી છે. તેમની આ ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી, ભરૂચ પોલીસ વિભાગ અને SPમાં પાણી હોય તો અમે 35 વીડિયો આપ્યા છે. એ કયા અધિકારીઓ, કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણી કરે છે એની તપાસ કરે અને તેમની સામે કાર્યવાહી કરે.
મારી ટીમ પર આવી ફરિયાદ કરવા અમારો અવાજ દબાઈ જવાનો નથી, ભરૂચની જનતાનો આ અવાજ છે. તેમારી FIRથી અને જેલોથી અમે ડરવાના નથી. આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ. તમારી જેલો મોટી કરી દેજો. હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે, ત્યાંરે પણ અમે તમારી જેલોમાં બેસીશું. અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માગીએ છીએ કે સરકારો બદલાતી રહેશે. તમારો પગાર પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તથસ્ટ કાર્યવાહી કરો. કોઈની ચમચાગીરી કરવાની જરૂર નથી, જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે ત્યારે સામાન્ય પ્રજાનું તો શું ધારાસભ્યો પર ફરિયાદ થાય છે. ત્યારે પોલીસ વિભાગ પરથી જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે.