ભારતમાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ક્યારે-ક્યારે મચી નાસભાગ? 50 વર્ષમાં હજારો લોકોએ ઓઢી મોતની ચાદર

નવી દિલ્હી: પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યાના અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે પહોંચ્યા છે, જેના કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને મોડી રાત્રે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પહેલી ઘટના નથી જેમાં નાસભાગ મચી છે. છેલ્લા 50 વર્ષોમાં ભારતમાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન અનેક વખત નાસભાગ મચી છે, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.
NCRBના ડેટા પ્રમાણે છેલ્લા 25 વર્ષોમાં જ ભારતમાં 3900થી વધુ નાસભાગની ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં ત્રણ હજારથી વધુ લોકોના મોત થયા છે. આ ઘટનાઓ ધાર્મિક તહેવારો, રાજકીય રેલીઓ અથવા સેલિબ્રિટીની હાજરીના કારણે બની હતી. જોકે મોટાભાગની ઘટનાઓ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન બની હતી. તે ચાલો આમાંની કેટલીક ઘટનાઓ પર એક નજર કરીએ.

તિરુપતિ મંદિર નાસભાગમાં 6 લોકોના મોત

આ મહિને આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં મચેલી નાસભાગમાં 6 લોકોના મોત થયા હતા અને લગભગ 40 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં બચી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે, આ નાસભાગ કેટલી ભયાનક હતી. તેમને લાગ્યું હતું કે, ત્યાં હાજર બધા લોકો મરી ગયા છે અને તેઓ પણ બચી નહીં શકશે.

હાથરસ ઘટનામાં 121 મોત

2 જુલાઈ 2024ના રોજ યુપીના હાથરસમાં એક ધાર્મિક સત્સંગમાં નાસભાગ મચી હતી. આ નાસભાગમાં 121 લોકોના મોત થઈ ગયા હતા. મૃતકોમાં 112 મહિલાઓ અને 7 બાળકો સામેલ હતા. આ કાર્યક્રમ ધાર્મિક નેતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાનો સત્સંગનો હતો. આમાં તેઓ ખુદ ભક્તોની વચ્ચે સામેલ થયા હતા. તેમનો કાફલો જાહેર જનતામાંથી પસાર થતાં જ મહિલાઓ તેમને જોવા માટે ઉમટી પડી હતી અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં લગભગ 2.5 લાખ લોકો ભેગા થયા હતા, જેમાંથી 80 હજાર લોકોને પ્રાર્થના સભામાં હાજરી આપવાની મંજૂરી મળી હતી.

વૈષ્ણોદેવી મંદિરમાં મચી હતી નાસભાગ

જમ્મુ-કાશ્મીરના વૈષ્ણો દેવી મંદિરમાં જાન્યુઆરી 2022માં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 12 લોકોના મોત થઈ ગયા હતા અને ડઝનબંધ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ભક્તો મંદિરના સાંકડા પ્રવેશદ્વાર દ્વારા પ્રવેશ કરવા માંગતા હતા, જેના કારણે આ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી.

આંધ્રપ્રદેશમાં નાસભાગ, 27ના મોત

આંધ્રપ્રદેશના રાજમુંદરીમાં પુષ્કરમ ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. અહીં લોકો તહેવાર પહેલા ગોદાવરી નદીના કિનારે પવિત્ર સ્થળ પર સ્નાન કરે છે. 14 જુલાઈ 2015ના રોજ શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે નાસભાગ મચી હતી, જેમાં27 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

પટનાના ગાંધી મેદાનમાં મચી હતી નાસભાગ

પટનાનું પ્રસિદ્ધ ગાંધી મેદાન ઘણી ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. જ્યારે ૩ ઓક્ટોબર 2014ના રોજ દશેરાનો કાર્યક્રમ સમાપ્ત થયો, ત્યારબાદ ત્યાં નાસભાગ મચી ગઈ હતી જેમાં 32 લોકોનાં મોત થયા હતા અને 26 લોકો ઘાયલ થયા હતા.

રતનગઢ મંદિરમાં મચેલી નાસભાગમાં 115ના મોત

મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં રતનગઢ દેવી મંદિરમાં વર્ષ 2013માં નવરાત્રી ઉત્સવ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી જેમાં 115 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. જગ્યાના અભાવે આવી પરિસ્થિતિઓ સર્જાઈ હતી.

2013ના પ્રયાગરાજ કુંભમાં મચી હતી નાસભાગ

પ્રયાગરાજમાં 2013ના કુંભમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં 36 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને ડઝનબંધ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. આ નાસભાગ કુંભ મેળામાં નહોતી મચી. સંગમમાં સ્નાન કર્યા બાદ જ્યારે શ્રદ્ધાળુઓ ટ્રેનની રાહ જોઈને રલવે સ્ટેશન પર બેઠા હતા, ત્યારે રેલવે સ્ટેશન પર ટ્રેનનું પ્લેટફોર્મ બદલવાની જાહેરાત કરવામાં આવી. જેના કારણે સેંકડો લોકો દોડી આવ્યા હતા અને નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ જ્યારે લોકો લોખંડના બ્રિજ પર ચઢ્યા, ત્યારે તે આટલા બધા લોકોનું વજન સહન ન કરી શક્યો અને નીચે પડી ગયો હતો.

હરિદ્વાર નાસભાગમાં 20ના મોત

ઉત્તરાખંડના હરિદ્વારમાં નવેમ્બર 2011માં ગંગા નદીના કિનારે નાસભાગ મચી ગઈ હતી. હર કી પૌડી ઘાટ પર થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

પ્રતાપગઢ નાસભાગમાં 63ના મોત

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં વર્ષ 2010માં નાસભાગ મચી હતી. પ્રતાપગઢમાં કૃપાલુ જી મહારાજના આશ્રમનો ગેટ તૂટી પડતાં ભાગદોડ મચી ગઈ હતી અને 63 લોકો મૃત્યુ પામ્યા હતા. આ નાસભાગમાં 100થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. મૃતકોમાં 37 બાળકો અને 26 મહિલાઓ સામેલ હતી. કૃપાલુજી મહારાજની પત્નીની પુણ્યતિથિ પર આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપવા માટે કુંડાના આશ્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અહીં લોકોને સામાન વહેંચવામાં આવી રહ્યો હતો.

રાજસ્થાનના ચામુંડા દેવી મંદિરમાં નાસભાગ

રાજસ્થાનના જોધપુરમાં 30 સપ્ટેમ્બર 2008ના રોજ ચામુંડા દેવી મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. અહીં કોઈએ મંદિરની અંદર બોમ્બ હોવાની અફવા ફેલાવી હતી. આ નાસભાગમાં 250થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

હિમાચલના નૈના દેવી મંદિરમાં 162ના મોત

વર્ષ 2008માં હિમાચલ પ્રદેશના પ્રખ્યાત નૈના દેવી મંદિરમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે 162 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

મહારાષ્ટ્રના મંધારદેવી મંદિરમાં નાસભાગમાં 350ના મોત

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં મંધારદેવી મંદિરમાં 25 જાન્યુઆરી 2005ના રોજ નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 350થી વધુ શ્રદ્ધાળુઓ કચડાઈને મૃત્યુ પામ્યા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

નાસિક કુંભમાં મચી હતી નાસભાગ

વર્ષ 2003માં મહારાષ્ટ્રના નાસિકમાં કુંભ મેળો યોજાયો હતો. આ પવિત્ર કુંભ મેળામાં સ્નાન કરવા માટે દેશભરમાંથી લાખો લોકો પહોંચ્યા હતા. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને 39 લોકોનાં મોત થયા હતા અને 140થી વધુ લોકો ઘાયલ થયા હતા.

1986ના હરિદ્વાર કુંભ મેળામાં નાસભાગ

ત્યારબાદ 1986માં હરિદ્વાર કુંભ મેળામાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. યુપીના તત્કાલીન મુખ્યમંત્રી વીર બહાદુર સિંહ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સાંસદો સાથે આ મેળામાં આવ્યા હતા. સુરક્ષા કર્મચારીઓએ લોકોને નદી કિનારે જતા અટકાવતા ભીડ બેકાબૂ થઈ ગઈ હતી અને જીવલેણ નાસભાગ મચી ગઈ હતી.

1954ના પ્રયાગરાજ કુંભમાં મચી હતી નાસભાગ

અત્યાર સુધીની સૌથી મોટી નાસભાગ 1954માં પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં થઈ હતી, જેમાં લગભગ 800 લોકો મૃત્યુ પામ્યા હતા. આમાંથી કેટલાક લોકો દબાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા અને કેટલાકે પોતાને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા. આ દુર્ઘટના પણ મૌની અમાવસ્યાના દિવસે બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!