અમદાવાદ: રાજ્યમાં અવારનવાર ડ્રગ્સની ઘૂસણખોરીના મામલા સામે આવતા હોય છે અને મોટા જથ્થામાં ડ્રગ્સ ઝડપાતું હોય છે. ત્યારે હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન જપ્ત કરેલા 870 કરોડના 4543 કિલો પ્રતિબંધિત ડ્રગ્સનો નાશ કર્યો છે.
NCBએ એક જ વર્ષમાં 870 કરોડથી વધારેનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
NCBની અમદાવાદની ઝોનલ ઓફિસે દ્વારા 4543.4 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સનો નાશ કર્યો છે. આ ડ્રગ્સની માર્કેટ વેલ્યુ 870 કરોડથી પણ વધારે છે. એનસીબી દ્વારા તેનો અલગ-અલગ રીતે નાશ કરાયો છે. NCBએ એક જ વર્ષમાં 870 કરોડથી વધારેનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતું અને 70 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જોકે, હજુ મોટાભાગના કેસોમાં તપાસ ચાલી રહી છે. જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં પાંચ મહિલાઓ પણ સામેલ છે. આ તમામ સામે મજબૂત પુરાવા હોવાથી તમામને આકરી સજા થવાની શક્યતા છે.
દહેજ GIDCમાં 4543 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સનો નાશ કર્યો
NCBએ 25 જાન્યુઆરીએ સ્પેશિયલ ડ્રગ્સ ડિસ્પોઝલ ડેટ ડ્રગ ડિસ્પોઝલ કમિટીને સાથે રાખીને દહેજ GIDCમાં આ 4543 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સનો નાશ કર્યો છે. NCBએ છેલ્લા એક વર્ષમાં આ 4543.399 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. કરોડો રૂપિયાના આ ડ્રગ્સના મોટા ભાગના જથ્થાનો સળગાવીને નાશ કરાયો છે. રૂપિયા 870 કરોડથી પણ વધારે માર્કેટ વેલ્યુ ધરાવતું આ ડ્રગ્સ ગુજરાતમાંથી અલગ-અલગ સ્થળે ઝડપાયું હતું.
પોરબંદરના દરિયા કિનારા પાસેથી 750 કિલો ડ્રગ્સ જપ્ત
આ મામલે NCBના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે, નાશ કરાયેલા ડ્રગ્સમાં અમદાવાદમાં અડાલજ ટોલનાકા પાસેથી ચરસ પકડયું હતું તે સામેલ છે. એનસીબીએ દરોડા પાડીને અડાલજ ટોલનાકા પાસેથી રાજસ્થાનથી આવતી એક કારમાંથી 25 લાખનું ચરસ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત પોરબંદરના દરિયા કિનારા પાસેથી 750 કિલો ડ્રગ્સ હેરોઈન, વેરાવળ અને વાપીની ફેક્ટરીમાંથી ટ્રામાંડોલ કેપ્સુલ ઉપરાંત નશાકારક અલ્પરા જોલમ ટેબલેટ જપ્ત કરી હતી તેનો પણ નાશ કરાયો છે.
નાના-મોટા અનેક દરોડામાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો
અધિકારીઓએ 3185.688 કિલો એમડી ડ્રગ 748.334 કિલો પ્રતિબંધિત ટેબલેટ 50.3 કિલો, 20 કિલોગ્રામ કેટામાઇન, 18.404 એમડી ડ્રગ ઉપરાંત દિલ્હીમાં ચાર નાઈજેરીયન લોકોની ગેંગને ઝડપી લઇને તેમની પાસેથી કેટામાઇનનો પાંચ કરોડનો જથ્થો જપ્ત કર્યો હતો. એનસીબીએ બારડોલીની એક ફેક્ટરીમાંથી પણ ગાંજો અને ચરસ જપ્ત કર્યો હતો. આ સિવાય નાના-નાના દરોડા દરમિયાન પણ નોંધપાત્ર પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું હતું.