- સૌરાષ્ટ્રના ભુજ, રાજકોટ, ગોંડલ, ચોટીલામાં સહિત 19 સ્થળોએ ઈડીની તપાસ
- માત્ર ગોંડલની મેંગણી પો.ઓ.માં જ 9.97 કરોડની ગોલમાલ પકડાઈ
- 606 બોગસ ખાતાથી 18.60 કરોડનો ચૂનો, એક કરોડ જપ્ત, દોઢ કરોડની રિકવરી
રાજકોટ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યાં છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં બીઝેડ અને ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં મહિલાઓને નાની બચત સામે ઊંચુ વળતર આપવાની લાલચ આપી પોણા કરોડથી વધુ રકમની છેતરપિંડીની ઘટના બની છે. ત્યારે રાજ્યની પોસ્ટ ઓફિસમાં બંધ થઇ ગયેલા રીકરિંગ ડિપોઝિટના 606 ખાતાઓને ફરીથી શરૂ કરીને નાણાકીય છેતરપિંડીનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં EDએ અમદાવાદ ઝોનલે 19 સ્થળે દરોડા પાડી રૂ. 1 કરોડ રોકડા અને 1.50 કરોડની સ્થાવર મિલકત ટાંચમાં લીધી છે.
પોસ્ટ ઓફિસમાં સરકારી નાણાંને નુકસાન પહોંચાડવાનો ભ્રષ્ટાચાર અને કૌભાંડ સામે આવ્યા બાદ ઈ.ડી.એ સૌરાષ્ટ્રમાં 19 સ્થળોએ પોસ્ટ ઓફિસોમાં દરોડા પાડીને ગોંડલની મેંગણી, જામનગર ડિવિઝનની સુરજકરાડી, તેમજ રાવલવાડી પોસ્ટઓફિસ, ચોટીલા સહિતની પોસ્ટ ઓફિસોમાં બોગસ રિકરીંગ ખાતા ચલાવવા સહિત અનેક ગુનાહિત રીતરસમોથી સરકારને કરોડોનો ચૂનો લગાડવાનું કારસ્તાન પકડાયું છે.
ઈ.ડી.ના સત્તાવાર સૂત્રો અનુસાર ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં સરકારી નાણાંની ઉચાપત સાથે સંકળાયેલા કેસો અન્વયે ગત તા.29-11-2024ના અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા 19 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયા હતા. આ અંગે કેટલીક FIR પણ ACB-CBIમાં નોંધાઈ છે. સબ પોસ્ટમાસ્ટર્સ દ્વારા અગાઉ બંધ થયેલા રિકરીંગ ડિપોઝીટ ખાતા મલિન ઈરાદે ખોલીને કૂલ 606 ખાતામાં રૂ.18.60 કરોડનું સરકારને નુકસાનન પહોંચાડી કૌભાંડ આચરાયું હતું.
સીબીઆઇની તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી સબ પોસ્ટમાસ્તરોએ અન્ય લોકો સાથે કાવતરું રચીને કુલ 606 રિકરિંગ ડિપોઝિટ ખાતાઓ જે અગાઉ બંધ કરવામાં આવ્યા હતા તે ફરીથી શરૂ કરીને છેતરપિંડી આચર્યા બાદ બંધ કરી દીધા હતા. રાજકોટમાં મેંગણી સબ પોસ્ટ ઓફિસ, ગોંડલ ડિવિઝનમાં સબ પોસ્ટમાસ્ટરે અન્ય લોકો સાથે બોગસ ચૂકવણી મેન્યુઅલ અપલોડ કરી રૂ. 9.97 કરોડની રકમની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.
કચ્છમાં આવેલી રાવલવાડી પોસ્ટ ઓફિસમાં રિકરીંગ ખાતા એવાર બંધ થયા હોય તે ફરી બીજી વાર કે ત્રીજી વાર બંધ કરીને જુદા જુદા ખાતાધારકોના નામે બોગસ ક્લોઝર ડોક્યુમેન્ટ ઉભા કરીને કૌભાંડ આચર્યું હતું. તેમાં રકમ જમા કરવાને બદલે કૌભાંડીએ આવા બોગસ ક્લોઝર ફોર્મના આધારે બંધ કરાયેલા ખાતાની રકમ નવી સ્કીમમાં રોકેલી દર્શાવાઈ હતી.
જ્યારે સરકારને છેતરવાની અન્ય એક ચાલબાજીમાં નવા ખાતા ખોલવા માટે ગ્રાહકો દ્વારા જે વિગતો અપાય તેનો ગેરઉપયોગ કરીને નવી પાસબૂક અપાતી પરંતુ, વાસ્તવમાં તે ગ્રાહકોના ખાતા ખોલાતા જ નહીં.
જામનગર ડિવિઝનની સુરજકુજી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર દ્વારા જાણી બુઝીને બોગસ દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરીને સરકારને રૂ.2.94 કરોડનું નુકસાન પહોચાડયું હતું. ચોટીલા પોસ્ટ ઓફિસના સેવિંગ્ઝ બેન્ક પોસ્ટલ આસિ.દ્વારા પોસ્ટલ ડિપોઝીટ ખાતાનો ગેરઉપયોગ કરીને રૂ.1.57 કરોડનું કૌભાંડ આચર્યું હતું.
ED દ્વારા બે દિવસ પહેલા દરોડા પાડીને રૂ.એક કરોડની કૌભાંડની રકમ જપ્ત કરી છે અને સ્થાવર મિલ્કતમાંથી રૂ.1.50 કરોડની રિકવરી કરી છે. હજુ આ અંગે ઉંડી તપાસ જારી રહી છે.