AMCની નવી SOP: હવે રોડ પર ભૂવો પડશે કે જમીન બેસી જશે તો ખર્ચ કોન્ટ્રાક્ટર ભોગવશે

અમદાવાદ: રોડ પર પડતા ભૂવા અને જમીન બેસી જવાની ઘટનાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરતા મોટો નિર્ણય લીધો છે. AMCએ આ અંગે કોન્ટ્રાક્ટર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP) જાહેર કરી છે. એટલે કે હવે કોઈ પણ રોડ પર ભૂવો પડશે અથવા જમીન બેસી જશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે કોન્ટ્રાકટર કે પછી એજન્સીની રહેશે.

કોન્ટ્રાકટરોએ પોતાના ખર્ચે ભૂવો રિપેર કરવો પડશે

આ ઉપરાંત એમ પણ કહેવાયું છે કે, કોન્ટ્રાકટર કે એજન્સીએ રોડ પર પડેલા ભૂવાને તાત્કાલિક રિપેર કરવો પડશે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અલગથી રકમ નહીં ચૂકવશે. જેથી કોન્ટ્રાકટરોએ જાતે જ પોતાના ખર્ચે તે ભૂવાને રિપેર કરવો પડશે. આટલું જ નહીં કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરતા પહેલા AMCને સેફ્ટી પ્લાન પણ આપવાનો રહેશે. આટલું જ નહીં મહાનગર પાલિકાને કોન્ટ્રાક્ટરે બાહેંધરી પત્ર પણ આપવું પડશે આ સાથે જ ઈજનેરના કોન્ટેક્ટ નંબર અને એજન્સીની વિગતો પણ AMCને આપવી પડશે.

AMCએ કેમ નવી SOP જાહેર કરી

વિવિધ કંપનીઓ અને એજન્સીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે-તે વિસ્તારમાં કામ કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે. જે માટે તંત્ર દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરનો અમલ પણ જરૂરી બની રહે છે. આ બધા કારણોને ધ્યાને રાખીને હવે AMCએ નવી SOP જાહેર કરી છે.

AMC દ્વારા પાણી, ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે નાંખવા ખોદાણ કરેલી જગ્યા તેમજ જીઓ, એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓ તથા યુ.જી.વી.સી.એલ.જેવી તથા પાવર કંપની, અદાણી, જેટકો જેવી અન્ય એજન્સીઓને વિવિધ કામગીરી કરવા રોડ ઓપનીંગની મંજૂરી મ્યુનિસિપલ તંત્ર તરફથી આપવામા આવે છે. યુટીલીટી નાંખવા માટે ખોદાણ કરેલી જગ્યાએ રીફીલીંગ કરવાની કામગીરીમા એકસૂત્રતા જળવાઈ રહે એ માટે તંત્ર તરફથી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો અમલ કરવા નિર્ણય કરાયો છે.
કામગીરી શરૂ કરતા પહેલા સેફટી પ્લાન બનાવવાનો રહેશે

કામગીરી શરૂ કરતા પહેલા ટ્રાફિક ડાયવર્ઝન સહીતની બાબતને લઈ સેફટી પ્લાન બનાવવાનો રહેશે. બેરીકેડીંગની તમામ બાજુએ ચેતવણીનુ ચિહ્ન ઉપરાંત એજન્સીની વિગત, સેફટી એન્જિનીયરના કોન્ટેક અંગેની વિગત સ્થળ ઉપર દર્શાવવી પડશે. સ્થળ ઉપર કામગીરી દરમિયાન સ્થળ ઉપર વધારાનુ મટીરીયલ દુર કરવાનુ રહેશે જેથી નાગરિકોને વાહનવ્યવહારમાં તકલીફ ના પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *