ભ્રષ્ટાચાર મામલે પાકિસ્તાનની કોર્ટનો મોટો નિર્ણય: પૂર્વ PM ઈમરાન ખાનને 14 વર્ષ અને પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલ

નવી દિલ્હી:  પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ સંબંધિત જમીન ભ્રષ્ટાચારના કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત તેમના પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ નિર્ણય રાવલપિંડીની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટમાં આપવામાં આવ્યો હતો, જ્યાં ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં બંધ છે. આ કેસમાં ઈમરાન ખાન, તેમના પત્ની બુશરા બીબી અને છ અન્ય લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાંથી મોટાભાગના દેશની બહાર છે. કોર્ટે ઇમરાન ખાન અને બુશરા બીબી પર 10 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

રાષ્ટ્રીય તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ

જજ નાસિર જાવેદ રાણાએ આદિલા જેલમાં સ્થાપિત કામચલાઉ કોર્ટમાં આ ચુકાદો સંભળાવ્યો હતો. આ નિર્ણય ત્રણ વાર ટાળવામાં આવી ચૂક્યો હતો. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB)એ ડિસેમ્બર 2023માં ખાન અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો, જેમાં તેમના પર રાષ્ટ્રીય તિજોરીને 190 મિલિયન પાઉન્ડ (લગભગ 50 અબજ PAK)નું નુકસાન પહોંચાડવાનો આરોપ હતો.

મામલો અને આરોપ

અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસ પાકિસ્તાનના ઈતિહાસમાં નાણાકીય ગેરરીતિના સૌથી મોટા કેસોમાંથી એક છે. આ કેસમાં એવો આરોપ છે કે, ઈમરાન ખાન અને તેમના પત્નીએ એક પ્રોપર્ટી ટાયકૂન સાથે મળીને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હતો. જોકે, ઈમરાન ખાન અને બુશરા બીબી સિવાય અન્ય આરોપીઓ દેશની બહાર છે, જેના કારણે ફક્ત ખાન અને બીબી સામે જ કેસ ચલાવવામાં આવ્યો હતો.

અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસ

અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસ પાકિસ્તાનના સૌથી વિવાદાસ્પદ કેસોમાંથી એક છે, જેમાં 50 બિલિયન પાકિસ્તાની રૂપિયાના દુરુપયોગના આરોપો લગાવવામાં આવ્યા છે. બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી દ્વારા આ પૈસા પાકિસ્તાન પરત કરવામાં આવ્યા હતા, પરંતુ કથિત રીતે એક પ્રોપર્ટી ટાયકૂનના અંગત ફાયદા માટે તેને જારી કરવામાં આવ્યા હતા. આ પૈસાનો ઉપયોગ ઝેલમમાં અલ-કાદિર યુનિવર્સિટી માટે જમીન સંપાદનમાં કરવામાં આવ્યો હતો, જેની સ્થાપના બુશરા બીબી અને ઇમરાન ખાન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

બુશરા બીબી અને અલ-કાદિર ટ્રસ્ટ

બુશરા બીબી જે અલ-કાદિર ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેમના પર આ કરારમાંથી વ્યક્તિગત લાભ ઉઠાવવાનો આરોપ છે. ટ્રસ્ટ હેઠળ 458 કનાલ જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું, અને આ જમીનનો ઉપયોગ યુનિવર્સિટી બનાવવા માટે કરવામાં આવ્યો હતો. આરોપો પ્રમાણે રાષ્ટ્રીય તિજોરી માટે રાખવામાં આવેલા આ પૈસા ખાનગી પ્રોજેક્ટ્સમાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

પ્રોપર્ટી ટાયકૂનનો સબંધ

આ કેસમાં પ્રોપર્ટી ટાયકૂનની ભૂમિકા મહત્વપૂર્ણ છે, જેમણે કથિત રીતે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં ઈમરાન ખાન અને બુશરા બીબીને મદદ કરી હતી. એવો આરોપ છે કે, આ સહયોગ ભંડોળનો દુરુપયોગ અને વ્યક્તિગત લાભ માટે કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!