હવે યોજનામાં પણ કૌભાંડ: ભાજપની સરસ્વતી સાધના યોજનામાં 8.5 કરોડનો ભ્રષ્ટાચાર

અમદાવાદ: સરકારના વિકાસશીલ જાતિ કલ્યાણ ખાતાની કચેરીથી સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી સાયકલ સહાય આપવામાં આવે છે. ત્યારે રાજ્યના 14થી વધુ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદેલી હજારો સાયકલો વિતરણ થયા વિના ધૂળખાય છે અને ભંગાર થઈને પડી છે. બીજી બાજુ ભાજપ સરકાર નવી સાયકલોની ખરીદી માટે ટેન્ડર બહાર પાડીને નવા કૌભાંડની તૈયારી કરી રહ્યું છે. ભાજપ સરકારમાં હવે યોજના પણ કૌભાંડ બની ગઈ છે. સરસ્વતી સાધના યોજનામાં સાયકલ ખરીદીમાં 8.5 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે તપાસની ફાઈલ અભરાઈએ ચડાવી દીધી છે કારણ કે, તપાસનો રેલો ઘણાં ઉચ્ચ અધિકારી અને નેતાઓ સુધી પહોંચવાની શક્યતા છે.

કુલ 1.70 લાખ સાયકલની ખરીદી

વર્ષ 2023-24માં SC, ST અને OBC સમાજની ગરીબ દીકરીઓને જૂન-2023માં સાયકલ આપવાનું નક્કી કરાયુ હતું. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા અને સાયકલ ખરીદીના ટેન્ડરમાં પણ વિલંબ થયો હતો કારણ કે, માનીતી કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાવવા માટે ટેન્ડરના નિયમોમાં ખાસ ફેરફારો કરાયા હતાં. બીજી તરફ અન્ય રાજ્ય કરતા 500 રૂપિયા વધુ ચૂકવી જે તે કંપની પાસેથી સાયકલ ખરીદવા માટેનું નક્કી કરાયુ હતું. આ દરમિયાન કુલ 1.70 લાખ સાયકલની ખરીદી કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે કંપનીને 8.50 કરોડ રૂપિયા વધુ ચૂકવ્યાં

સાયકલ દીઠ 500 રૂપિયા ગણવામાં આવે તો, રાજ્ય સરકારે કંપનીને 8.5 કરોડ રૂપિયા વધુ ચૂકવ્યાં છે. તો હવે એ નથી સમજાતુ કે સરકારે વધારાના રૂપિયા કેમ ચૂકવ્યા. ખાસ વાત એ છે કે, એપ્રિલ 2024માં જ્યારે સાયકલની ડીલીવરી થઈ ત્યારે ક્વોલીટી કન્ટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા સાયકલની ગુણવત્તાની ચકાસણી કરાઈ હતી ત્યારે સ્પષ્ટ થયું કે, સાયકલો હલકી ગુણવત્તાની જ નહીં, સ્પેસીફીકેશન મુજબ પણ ન હતી. આ ઉપરાંત આઈએસઆઈ માર્કના ધોરણો પર પરિપૂર્ણ નહોતા કર્યા. ટેન્ડરની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવા છતાંય આ સાયકલની ખરીદી કરાઈ હતી. નવાઈની વાત એ છે કે, ટેન્ડરની પ્રક્રિયા વખતે ખુદ ગ્રીમ્કોએ જ વાંધો ઊઠાવ્યો હતા કે, રાજસ્થાનના ભાવ કરતાં 587 રૂપિયા અને પશ્ચિમ બંગાળના ભાવ કરતા 425 રૂપિયા વધુ ચૂકવાયાં તે બાબતે હજુ કોઈ ખુલાસો કરાયો નથી.

પત્ર લખાયો છતાં સરકારે કોન્ટ્રાક્ટ રદ ન કર્યો

આ કોન્ટ્રાક્ટ રદ કરવા માટે પત્ર લખાયો છતાં સરકારે કોન્ટ્રાક્ટ રદ ન કર્યો અને એ જ કંપનીને સાયકલનો ઓર્ડર આપ્યો હતો. અંકલેશ્વર, ખેડા, છોટા ઉદેપુર, ધાનેરા, વડોદરા, નર્મદા, રાજપીપળા, બનાસકાંઠા, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, દાહોદ, ભરૂચ, ઉના, ગીર સોમનાથ, પંચમહાલ, મોરબી, મહુધા સહિત અન્ય જિલ્લામાં હજારો સાયકલ ભંગાર અવસ્થામાં પડી છે. ત્યારે આ જ સાયકલોને રંગી-ચંગીને લાભાર્થીઓનો પધરાવી દેવા સરકારે જ કારસો રચ્યો છે.

કૌભાંડની નિષ્પક્ષ તપાસની માગ

શૈક્ષણિક વર્ષ શરૂ થયું તેના ચાર મહિનાથી વધુનો સમય વીતી ગયો છે. હજુ દિકરીઓને સાયકલો મળી નથી. તેમણે માંગ કરી કે, સાયકલોની ગુણવત્તાની ચકાસણી થવી જોઈએ. જો ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન થયું હોય તો, સાયકલની કંપની જ નહીં, જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ. હવે સાયકલ ખરીદી કૌભાંડની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવી માગ ઊઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!