અરવલ્લી: રાજ્યમાં ફરી એક વખત ખાખી વર્દીને કંલક લગાડતી ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં પોલીસકર્મી જ બુટલેગર બનતા પોલીસ વિભાગ ફરી એકવાર શર્મશાર થયું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ઠેર-ઠેર દારૂનું વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવે છે. પોલીસ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી બુટલેગરને પકડતી હોય છે, પરંતુ ગાંધીનાં ગુજરાતમાં એક ‘રક્ષક’એ જ દારૂબંધીનાં કાયદાનાં લીરેલીરા ઉડાડ્યા છે. અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી જ વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપાયો છે.
બાતમીના આધારે LCBની ટીમે દરોડા પાડ્યા હતા
ધનસુરાના રાહીયોલ ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય પરમારના રાહીયોલ ખાતેના નિવાસસ્થાને દારૂ હોવાની બાતમી જિલ્લા LCB વિભાગને મળી હતી. ત્યારે બાતમીના આધારે LCBની ટીમે કોન્સ્ટેબલને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. જોકે, દરેડાની જાણ થતાં જ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતો.
1.76 લાખ રૂપિયાનો વિદેશી દારુ ઝડપાયો
દરોડા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી અલગ-અલગ બ્રાન્ડનો 1.76 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. LCBની ટીમ દ્વારા તપાસ કરતા ઘરના રસોડામાંથી 2,138 બોટલ સાથે દારુની 22 પેટી મળી આવી હતી. પોલીસકર્મીના બદલે જાણે બુટલેગર બનેલા કોન્સ્ટેબલ વિજય પરમારને પકડવા માટે LCBની ટીમે હવે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ ખાતામાં ફરજ બજાવતો કર્મચારી જ બુટલેગર બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
આ કોન્સ્ટેબલ અગાઉ પણ દારૂના કેસમાં ઝડપાયો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિજય છનાલાલ પરમાર અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો હતો ત્યારે પણ દારૂના કેસમાં ઝડપાયો હતો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે પોરબંદર ખાતે ફરજ પર હતો. એક વખત સસ્પેન્ડ થયા પછી પણ તેણે આ ગેરકાયદેસર ધંધો ચાલુ રાખ્યો હતો.