મુંબઈ: 2015માં ગુજરાતના દરિયાકાંઠેથી લગભગ સાત કરોડ રૂપિયાનું 232 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. હવે આ મામલે મુંબઈની એક કોર્ટે ઝડપાયેલા 8 પાકિસ્તાની નાગરિકોને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે 2015ના ડ્રગ્સ જપ્તીના કેસમાં પાકિસ્તાની નાગરિકોને આ સજા ફટકારી છે. ઘટના એમ છે કે વર્ષ 2015માં ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠેથી 6.96 કરોડ રૂપિયાની કિંમતનું 232 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. પાકિસ્તાની નાગરિકો આ હેરોઈનનો જથ્થો એક બોટમાં લાવી રહ્યા હતા. બોટમાં 11 ડ્રમ હતા, જેમાં ઘઉંના રંગના પાવડરવાળા 20 પ્લાસ્ટિકના પાઉચ હતા, જેની તપાસ કરવામાં આવતા તે હેરોઈન હોવાનો ખુલાસો થયો હતો.
એનડીપીએસ એક્ટ કેસના વિશેષ ન્યાયાધીશ શશિકાંત બાંગરે આ આઠ લોકોને ડ્રગ વિરોધી કાયદા હેઠળ કરવામાં આવેલા ગુના માટે દોષિત ઠેરવ્યા હતા. આરોપીઓને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ મહત્તમ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે દરેકને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સુમેશ પંજવાનીએ આરોપીઓ માટે મહત્તમ સજાની માગ કરતા કહ્યું કે, તે અન્ય ડ્રગ્સ હેરફેર કરનારાઓ માટે બોધપાઠ બની શકે છે. જોકે, બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે નરમ વલણ અપનાવવું જોઈએ. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે નરમી દાખવવાનો ઈનકાર કરી અને આઠ આરોપીઓને મહત્તમ સજા ફટકારી હતી.
ફરિયાદી પક્ષના જણાવ્યા પ્રમાણે જે બોટમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાં 11 ડ્રમ હતા જેમાં ઘઉં-બ્રાઉન પાવડરવાળી 20 પ્લાસ્ટિકના પાઉચ હતા. તેણે જણાવ્યું હતું કે દરેક પેકેટની સામગ્રીની તપાસ કરવામાં આવી હતી, જેમાં તે હેરોઈન હોવાનું બહાર આવ્યું હતું. આઠ પાકિસ્તાની નાગરિકો પાસેથી ત્રણ સેટેલાઇટ ફોન, જીપીએસ નેવિગેશન ચાર્ટ અને અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પણ મળી આવ્યા હતા. બાદમાં તેને દક્ષિણ મુંબઈમાં યલો ગેટ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.