જલગાંવ: મહારાષ્ટ્રના જલગાંવમાં આજે મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ છે.લખનઉથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસ બુધવારે સાંજે 5:47 વાગ્યે જલગાંવ નજીક દુર્ઘટનાનો ભોગ બની હતી. ટ્રેન મહારાષ્ટ્રના ભુજવાલ સ્ટેશનથી નીકળીને જલગાંવના પરાંડે સ્ટેશન પર પહોંચતા જ ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અફવા પછી લોકોએ ટ્રેનની ચેઈન ખેંચી હતી. અને ત્યારબાદ મુસાફરોએ ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે બીજા ટ્રેક પરથી કર્ણાટક એક્સપ્રેસે અનેક મુસાફરોને કચડી નાખ્યા હતા.
11 લોકોના મોત અને 40 લોકો ઘાયલ
પ્રાપ્ત માહિતી પ્રમાણે ચેઈન ખેંચ્યા બાદ પુષ્પક એક્સપ્રેસ ઊભી રહી ગઈ અને આ સાથે જ લોકોએ ડબ્બામાંથી કૂદવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન બીજા ટ્રેક પરથી આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસે કૂદી પડેલા 11 મુસાફરોને કચડી નાખ્યા હતા.આ ઘટના બાદ બંને ટ્રેનોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, બાદમાં પરિસ્થિતિ કાબુમાં આવી અને બંને ટ્રેનોને સ્ટેશન પરથી રવાના કરવામાં આવી હતી. આ ભયંકર દુર્ઘટનામાં 11 લોકોના મોત અને 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
50થી વધુ લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા
આગની અફવાને કારણે 50થી વધુ લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા હોવાનો અંદાજ છે. આમાંથી તે લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા, જેઓ ચેઈન ખેંચ્યા બાદ ટ્રેકની જમણી બાજુ કૂદી ગયા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકોના પુલની વચ્ચે કૂદી પડવાથી મોત થયા હતા.
થર્ડ એસીમાં આગની અફવા
વાયરલ વીડિયોમાં મૃતકોના મૃતદેહ ટ્રેનના થર્ડ એસીની નજીક પડેલા નજર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે આગની અફવા પહેલા થર્ડ એસીમાં ફેલાઈ હતી. જે જગ્યાએ અકસ્માત થયો હતો ત્યાંથી એક નાની નદી પણ પસાર થાય છે. તેથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુલ પડવાથી પણ કેટલાક લોકોના મોત થયા છે.