સીરિયાની સત્તા પર હવે બળવાખોરોએ કબજો કરી લીધો છે. બળવાખરોના કબજા બાદ પણ સીરિયાની સ્થિતિ હાલમાં ખૂબ જ ચિંતાજનક છે. સરકારી ઇમારતોને સળગાવી દેવામાં આવી રહી છે લૂંટપાત જેવી ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે આ વચ્ચે હવે ભારતે સીરિયામાંથી 75 નાગરિકોને બહાર નીકાળ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સુરક્ષા સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ આ ઓપરેશનનું સંકલન દમાસ્કસ અને બેરૂતમાં સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રાલય મોડી રાત્રે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, ભારત સરકારે સીરિયામાં તાજેતરમાં બનેલી ઘટના બાદ આજે 75 ભારતીય નાગરિકોને ત્યાંથી સુરક્ષિત બહાર નીકળ્યા છે. આ તમામ લોકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને હવે તેઓ ત્યાં ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટથી ભારત પરત ફરશે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, સરકાર વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. સીરિયામાં બાકી રહેલા ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સરકાર સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે.